Connect with us

Panchmahal

આદિવાસી વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમ સાથે નિવાસી શાળાનો શ્રેષ્ઠ વિકલ્પ

Published

on

best-option-of-residential-school-with-english-medium-for-tribal-students
 પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશતા જ અંગ્રેજીમાં લખેલ એક સુવાક્ય નજરે પડે છે ‘The School is the last expenditure upon which one should be willing to compromise’ અર્થાત જ્યારે ખર્ચ ઘટાડવાની વાત આવે ત્યારે શાળા કે શિક્ષણ પર થતા ખર્ચનો ક્રમ છેલ્લે હોવો ઘટે. આ વાક્યમાં ગુજરાત સરકારની શિક્ષણ માટેની નીતિ પણ અભિપ્રેત છે. આદિવાસી સમાજનો વિદ્યાર્થી આંતરિયાળ વિસ્તારમાં રહેવાના કારણે કે નબળી આર્થિક પરિસ્થિતિના કારણે શ્રેષ્ઠ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકાર સતત કટિબધ્ધ રહી છે.
         આદિજાતિના બાળકોને ઉત્તમોત્તમ વાતાવરણ અને શિક્ષણ પૂરી પાડી તેમને સમાજના અન્ય વર્ગોના બાળકો સામેની સ્પર્ધામાં સમાન તકો મળી રહે તે માટે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, પંચમહાલ હેઠળ એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાઓની શરૂઆત કરવામાં આવી છે. પંચમહાલના ગોધરા તાલુકાના વેજલપુર ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલ આ સ્કૂલોની ઉજ્જવળ પરંપરાને આગળ વધારી રહી છે. ૨૦૦૭થી શરૂ થયેલી આ શાળામાં ધોરણ ૬ થી ૧૨ના કુલ ૧૦૯૮ આદિવાસી વિધાર્થીઓ અત્યારસુધી આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે.આજે કોઈક ડૉક્ટર તો કોઈક વિધાર્થી એન્જિનિયર બન્યા છે તો સરકારી નોકરીઓમાં પણ આ વિધાર્થીઓએ કેડી કંડારી છે. ચાલુ વર્ષે કુલ ૩૮૬ આદિવાસી બાળકો પોતાના અને પરિવારના સપનાઓ પૂર્ણ કરવા આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે.
              શાળાના પ્રિન્સિપાલ ભદ્રેશભાઈ સુથાર જણાવે છે કે, શાળા છેલ્લા બાર વર્ષથી ધોરણ-૧૦માં ૧૦૦ ટકા પરિણામ મેળવી રહી છે. વર્ષ ૨૦૧૮-૧૯થી શાળામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની શરૂઆત થયા બાદ ૧૨-કોમર્સમાં ૧૦૦ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે ૯૫ ટકા પરિણામ મેળવ્યું છે. આ શાળાના આદિવાસી વિદ્યાર્થીઓ આજે એમ.બી.બી.એસ.,એંજીનિયરિંગ સહિતના ક્ષેત્રોમાં પ્રવેશ મેળવીને ઉજ્જ્વળ કારકીર્દીના સોપાન સર કરી રહ્યા છે.
              શાળામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અને જીવવિજ્ઞાનની તમામ પ્રકારની  સુવિધાઓથી સજ્જ પ્રયોગશાળાઓ, કોમ્પ્યુટર લેબોરેટરી, એક્ટીવીટી હોલ, પુસ્તકાલય, ઓડિટોરીયમ, સંગીત રૂમ સહિતની અદ્યતન આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. બાળકો અભ્યાસમાં તો નિપુણ બને જ છે પરંતુ સાથે ખેલ-કૂદ અને કલાક્ષેત્રે પણ તેમની રસ-રૂચિ અનુસાર કૌશલ્ય કેળવે તે પ્રકારે શાળામાં પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.
            આદિવાસી સમાજમાંથી આવતા આ શાળામાં ધોરણ- ૬ થી ૧૦ સુધી અભ્યાસ કરી ચુકેલા ડામોર સ્નેહલ આજે ડૉક્ટર બન્યા છે અને સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે ફરજ બજાવી રહ્યા છે.તેઓ જણાવે છે કે,માતા-પિતા સાથે સંતરામપુર ખાતે રહીને સરકારી શાળામાં અભ્યાસ કર્યા પછી ધોરણ ૬થી અંગ્રેજી વિષય સાથે વેજલપુર ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો.અહીં રહેવા જમવા સહિત તમામ સુવિધાઓ નિ:શુલ્ક મળી હતી. ભણવાની ધગશના કારણે અને સરકારની શ્રેષ્ઠ સુવિધાઓ સાથે શિક્ષણનું પ્લેટફોર્મ મળતા આજે હું ડૉક્ટર બની શકી છું.
             આજ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને અત્યારે વાણિજ્ય વેરા વિભાગ,વડોદરા ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાઠવા કિરણભાઈ જણાવે છે કે,તેમના માતા – પિતા ખેતીવાડી સાથે જોડાયેલા છે.તેઓ મૂળ આલસિપુર,છોટાઉદેપુર ગામના રહેવાસી છે.ગામની સરકારી શાળામાં અભ્યાસ કર્યા પછી આગળ ક્યાં અભ્યાસ કરવો તેની મૂંઝવણ તેમને સતત સતાવતી હતી.શાળાના આચાર્ય પાસેથી માહિતી મેળવી વર્ષ ૨૦૦૭/૦૮માં તેમણે એકલવ્ય મોડેલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. અહીં તેમણે ધોરણ ૬ થી ૧૨ સુધી અભ્યાસ કર્યો હતો.તેઓ જણાવે છે કે,શાળામાં અંગ્રેજી માધ્યમ હોવાથી અને એન.સી.આર.ટી અભ્યાસક્રમ હોવાથી આગળના એન્જિનિયરિંગ અભ્યાસમાં પણ તેમને કોઈપણ પ્રકારની તકલીફ જણાઈ નહોતી.તેઓ બીજા આદિવાસી બંધુઓને સંદેશ આપે છે કે, સરકાર તરફથી ચાલતી આ શાળામાં તમામ ભૌતિક સુવિધાઓ સાથે પોતાના સ્વપ્નોને સાકાર કરવાનું સારું પ્લેટફોર્મ મળી રહે છે.
best-option-of-residential-school-with-english-medium-for-tribal-students
               બારીયા કાર્તિક લાલાભાઈ કે જેઓ નસિકપુર,લુણાવાડાના વતની છે અને અત્યારે ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે. આ જ શાળામાં તેઓએ ધોરણ ૬ થી ૧૨ સુધી અભ્યાસ કર્યો છે અને આગળ સોફ્ટવેર એન્જિનિયર બનવાનું સ્વપ્ન જુવે છે.તેઓ કહે છે કે, એકલવ્ય શાળાના શિક્ષકો અને શાળાના વાતાવરણે તેમને અભ્યાસમાં આગળ આવવામાં મદદ કરી છે અને વિજ્ઞાન પ્રવાહમાં સારા ગુણ સાથે ઉતીર્ણ થઈને સારી કારકિર્દી ઘડવા માટે ઉત્સાહી બનાવ્યા છે.
                સાત વર્ષથી શાળામાં અભ્યાસ કરી ચૂકેલી કાલોલના પિંગળી ગામના ખેડૂત પિતાની દિકરી એવી સોનલ જણાવે છે કે અહીં બધા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક, સ્ટેશનરી, ગણવેશ તેમજ અન્ય દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. સોનલને અંગ્રેજી માધ્યમની સારી શાળામાં અભ્યાસ કરાવવાની તેના માતા-પિતાની ઈચ્છા આ શાળા મારફતે પૂર્ણ થઈ છે.
                શાળામાં વિદ્યાર્થીઓ સ્વાવલંબી,નિયમિત અને સ્વંયશિસ્તમાં માનતા થાય તે    બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો હેતુ સાથે અહીં બાળકોના અભ્યાસ જેટલો જ સમય રમત અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃતિઓ પાછળ ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓને બે ટાઇમ જમવાની સાથે બે ટાઇમ નાસ્તો ઉપરાંત બે ટાઇમ દૂધ અને ફળ પણ આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારોના બાળકોને અંગ્રેજી માધ્યમની નિવાસી શાળાનો ઉત્તમ વિકલ્પ પૂરી પાડતી એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ શિક્ષણક્ષેત્રે નવા માપદંડો ઉભા કરીને સરકારશ્રીની આદિજાતી વિકાસની પરિસંકલ્પનાને પૂર્ણ કરી રહી છે.
  •  ૧૦૯૮ આદિવાસી વિદ્યાર્થીઓએ આ શાળામાં નિ:શુલ્ક શિક્ષણ મેળવ્યા બાદ ડૉક્ટર, એન્જિનિયર સહિત સરકારી નોકરીઓમાં કેડી કંડારી પોતાના ભવિષ્યને સફળ બનાવ્યું
  • ભણવાની ધગશ અને સરકારશ્રીની શ્રેષ્ઠ સુવિધાઓ સાથે શિક્ષણનું ઉત્તમ પ્લેટફોર્મ મળતા આજે હું ડૉક્ટર બની શકી છું.- ડૉ.સ્નેહલ
  • સરકારની આદિજાતી વિકાસની પરિસંકલ્પનાને પૂર્ણ કરતી એકલવ્ય મોડેલ નિવાસી શાળા
error: Content is protected !!