Gujarat

બેંક સાથે વિશ્વાસઘાત: બેંકના ઓથોરાઈઝ એજન્ટ અને અન્ય એકે ભેગા મળી થાર કારનું ખોટુ કોટેશન મુકી લોન પડાવી કાર અન્યને વેંચી દીધી..

Published

on

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં બેંક સાથે બે વ્યક્તિઓએ વિશ્વાસઘાત કર્યો છે. ભુજ ખાતેના બેંકના ઓથોરાઈઝ એજન્ટ અને અન્ય એકે ભેગા મળી થાર કારનું ખોટુ કોટેશન બેંકમાં મુકી લોન પડાવી હતી. એ બાદ ચાલુ લોને આ થાર કાર અન્યને વેચાણ કરી દેતા બેંકના મેનેજરે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં મીશન રોડ પરની બેંક ઓફ બરોડામાં ચીફ મેનેજર તરીકે વિકાસ સત્યદેવ શર્મા ફરજ બજાવે છે. આ બેંક દ્વારા આરબીઆઈના ગાઈડ લાઈન મુજબ વિવિધ પ્રકારની લોન આપે છે. જે કામ માટે બેંકે ઓથોરાઈઝ ડીલરો રાખ્યા છે. જેમાંના દર્શીલ પટેલ (રહે.ભુજ) નામના એક ઓથોરાઈઝ ડીલરે ગત 12 માર્ચના રોજ ઉપરોક્ત મીશન રોડ વાળી બીઓબીની શાખામાંથી એક શખ્સ ગણેશ કૈલાસ ડીગરાલે (રહે.નડિયાદ)ને લઈને આવેલા અને કાર લોન લેવા માટે બેંકમાં અરજી આપી હતી.

Advertisement

 

કેવાયસી, કાર કોટેશન તેમજ બીજા આધારભૂત દસ્તાવેજો બેંક સમક્ષ આ બંનેએ રજૂ કર્યા હતા. જેમાં થાર કારનું કોટેશન રૂપિયા 22 લાખ 24 હજાર 141 હતું. બેંકે તપાસ કર્યા બાદ રૂપિયા 19 લાખની લોન મંજૂર કરી હતી. જેના માસિક હપ્તા રૂપિયા 30 હજાર 666ના કુલ 84 હપ્તા હતા. જે બાદ તમામ શરતો મુજબ આ બંને વ્યક્તિઓએ બેંક સમક્ષ એગ્રીમેન્ટ પર સહી કરી હાઈપોથીકેશન એગ્રીમેન્ટ બેંકને કરી આપ્યું હતું.

Advertisement

બાદમાં લોનના હપ્તા ભરવામાં આ લોન ધારક ડીલે કરતા હોય બેંક દ્વારા કારનુ વેરીફીકેશન માટે ગાડી લઈને આવવા લોન ધારકને જણાવ્યું હતું. પરંતુ તે નહીં આવતાં બેંકના અધિકારીઓએ તેના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. જે બાદ બેંકે સિસ્ટમ દ્વારા કાર નંબર નાખી તપાસ કરાવતા આ થાર કારનો માલિક અન્ય કોઈ વ્યક્તિ બોલે છે. જે બાદ બેંકમાં મુકેલ કોટેશન પણ ચેક કરાવતા આ કોટેશન પણ ખોટુ મુકી બેંક મારફતે વધારે નાણાંની લોન પડાવી હોવાનું ખુલ્યું હતું. જેથી આ બેંક શાખાના ચીફ મેનેજર વિકાસ સત્યદેવ શર્માએ ઉપરોક્ત બેંકે ઓથોરાઈઝ ડીલરો દર્શીલ પટેલ (રહે.ભુજ) અને લોન ધારક ગણેશ કૈલાસ ડીગરાલે (રહે.નડિયાદ) સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version