Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમી મધ્યપ્રદેશ ના ગુજરાત સરહદી વિસ્તારો માં હોળી પૂર્વે યોજાતા ભંગોરીયા હાટ.

પ્રતિનિધિ, કાજર બારીયા
મધ્યપ્રદેશ સરહદી ગુજરાત નો છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, હોળી ની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટ ની શરૂઆત થઈ જતી હોય છે.
છોટાઉદેપુર જિલ્લા નાં આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા પાણીબાર વાળા જણાવે છે કે ભંગોરીયા એ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળી ના અગાઉ ના સપ્તાહ માં જે સ્થળે અઠવાડિક હાટ ભરાઈ છે તે જ સ્થળે હોળીના તહેવાર માટે ની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે, જેમાં અહીં ના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળી ના તહેવાર માટે ની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા ઢોલ અને કરતાલ ના તાલે નાચકૂદ કરીને હોળી પૂર્વે ના ભંગોરીયા હાટ ની મોજ માણતા હોય છે.
ખાસ કરીને જુવાનિયા ઓ પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતી ઓ એકજ ડિઝાઇનર કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી,ચાંદીના કલ્લાં ( કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદી ના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે,
જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન) ,ચાંદીની કિકરી, કહળો (કંદોરા)વગેરે આભૂષણો થી સજ્જ થઈ ને ભંગોરીયા હાટ ની મજા માણવા ઉમટી પડે છે.
એક જ ડિઝાઇન ના પહેરવેશ માં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયા ની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવા નો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇનર કે એક જ રંગ ના કપડાં પહેરવા માટે નો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરીયા હાટ ની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય..!
ભંગોરીયા હાટ માં આદિવાસી ઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશ માં સજ્જ થઇ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિ ની ઝાંખી કરાવતાં હોય છે,અને આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર અને જીવંત રાખવા નો પ્રયાસ કરતા હોય છે.
અહીં નાં આદિવાસી ઓ ભંગોરીયા ને ભોંગર્યા હાટ તરીકે પણ ઓળખતા હોય છે,હાટ માં હોળી ની ખરીદી ઉપરાંત મોટલા ઢોલ અને વાંહળી ઓ ખડખળીસ્યા તેમજ તેમની ઓળખ સમા તીરકાંમઠા અને ધારીયાં -પાળીયાં સાથે ગામેગામ થી ઉમટેલા લોકો આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને એકમેક બની નાચગાન કરી ખુબ આનંદ લૂટતા હોય છે.
આમ ભંગોરીયા હાટ એ પૂરા વર્ષ દરમ્યાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીં ના આદિવાસી લોકો માટે હળવાશ અનુભવી આનંદ ઉત્સાહ મનાવવા માટે નુ સ્ટેજ છે.
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ઓ અને મધ્યપ્રદેશ ના અલીરાજપુર જિલ્લા ના ગુજરાત સરહદી વિસ્તારોમાં વસતા આદિવાસી ઓ એક જ સમુદાયના આદિવાસી ઓ છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી ઓ ખાસ કરીને રાઠવા આદિવાસી ઓ તરીકેની ઓળખ ધરાવે છે, જ્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા ના આદિવાસી ઓ ખાસ કરીને ભિલાલા આદિવાસી તરીકે ની ઓળખ ધરાવે છે, આમ મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદી ગામો માં વસતા આદિવાસી ઓ એક જ સમુદાય માથી આવતા હોય જેથી તેઓ ની સંસ્કૃતિ પરંપરાઓ રિત-રિવાજ અને રહેણી કરણી ભાષા બોલી પણ સમાન જોવા મળે છે , છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ગુજરાત સરહદી વિસ્તારોના આદિવાસી ઓ નો રોટી-બેટી નો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવે છે.
ભંગોરીયા હાટ માં મધ્યપ્રદેશ ના આદિવાસી લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે તેજ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની ટુકડીઓ મધ્યપ્રદેશ ના ભંગોરીયા હાટ માં પણ ઉમટી પડતી હોય છે.
છોટાઉદેપુર વિસ્તાર તથા મધ્યપ્રદેશ સરહદી અલીરાજપુર વિસ્તારોમાં ૧ માર્ચ થી યોજાનાર ભંગોરીયા હાટ.
૧ માર્ચ બુધવાર – છોટાઉદેપુર નાં રંગપુર (સ), મધ્યપ્રદેશ નાં ચાંદપુર, બરઝર, ખટ્ટાલી, બોરી
૨ માર્ચ ગુરુવાર – છોટાઉદેપુર નાં દેવહાટ, ભીખાપુરા, મધ્યપ્રદેશ નાં ફૂનમાલ, સોંડવા, જોબટ.
૩ માર્ચ શુક્રવાર- છોટાઉદેપુર નાં ઝોઝ, મધ્યપ્રદેશ નાં કઠીવાડા,વાલપુર,ઉદયગઢ.
૪ માર્ચ શનિવાર -છોટાઉદેપુર નાં છોટાઉદેપુર, મધ્યપ્રદેશ નાં નાનપુર,ઉમરાલી.
૫ માર્ચ રવિવાર -છોટાઉદેપુર નાં પાનવડ, મધ્યપ્રદેશ નાં છકતલા,સોરવા, આમખુટ,ઝીરણ,કનવાડા,કુલવટ.
૬ સોમવાર -છોટાઉદેપુર નાં કવાંટ, મધ્યપ્રદેશ ના અલીરાજપુર,ભાભરા,બડાગુડા.
૭ માર્ચ મંગળવાર- સાગટાળા તથા મધ્યપ્રદેશના વખતગઢ, આંબુઆ.
જે તે સ્થળે ભરાતા અઠવાડિક હાટ, હોળી અગાઉ ભંગોરીયા હાટ માં ફેરવાઈ જાય છે.
અહીં આદિવાસી ઓ હાટમાં ખરીદી ઉપરાંત ખેતી કામ માં વ્યસ્તતા માં થી હળવાશ અનુભવી એક બીજા ની ખબર અંતર પુછતા જોવા મળતા હોય છે અને આત્મિયતા જોવા મળતી હોય છે
છોટાઉદેપુર અને ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોનાં આદિવાસી ઓ એક જ સમુદાય ના આદિવાસી ગણાય છે પરંતુ છોટાઉદેપુર માં વસતા આદિવાસીઓ રાઠવા આદિવાસી તરીકે ઓળખાય છે જ્યારે ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોનાં આદિવાસી ઓ ભીલાલા.
આમ છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ગુજરાત સરહદી મધ્યપ્રદેશ રાજ્ય ના સરહદી વિસ્તારોમાં હોળી અગાઉ અહીં ના આદિવાસી ઓ પોતાની અનોખી અને અતિ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા ઓ ઉજાગર કરતા હોય છે, આમ પરંપરાગત રીતે યોજાતા ભંગોરીયા હાટ નુ આ વિસ્તારના આદિવાસી ઓ માં અનેરુ મહત્વ રહેલું છે.