Gujarat
વડોદરામાં ડો.બાબા સાહેબ આંબેડકર મહા પરિનિર્વાણ દિને ભીમ વંદના કાર્યક્રમ યોજાયો
- પદ્મશ્રી હેમંત ચૌહાણ દ્વારા ડો.બાબાસાહેબ ઉપર રચાયેલ ભજનો અને ગીતો રજૂ કરી આપવામાં આવી આદરાંજલિ
બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ૬૭મા મહા પરિનિર્વાણ દિન તા. ૬ ડિસેમ્બરના રોજ તેમને આદરાંજલિ આપવા ઐતિહાસિક સંકલ્પ નગરી વડોદરાના સર સયાજી નગર ગૃહ ખાતે ઘ્યેય યુવા સંગઠન, વડોદરા દ્વારા સુપ્રસિધ્ધ ભજનિક પદ્મ શ્રી હેમંત ચૌહાણના સ્વરમાં લોક ડાયરો ભીમ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જાણીતા લોક કવિ અનિલ પંડયા તથા લોક કલાકાર રાજેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમા પદ્મશ્રી હેમંત ચૌહાણ અને વૃંદ દ્વારા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ઉપર રચાયેલ ભજનો અને ગીતો રજૂ કરી તેઓ દ્વારા દેશ માટે આપવામાં યોગદાનને યાદ કરી ઉપસ્થિત સૌ પ્રજાજનો દ્વારા આદરાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સુપ્રસિધ્ધ ભજનિક હેમંત ચૌહાણનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ અંકિતા પરમાર, રાષ્ટ્રીય કક્ષાના બાબુ જગજીવનરામ ફાઉન્ડેશનના નવ નિયુક્ત સભ્ય અને પારુલ યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ સોશ્યલ વર્કના ડીન પ્રો. ડો. એમ. એન. પરમાર, રાષ્ટ્રીય કક્ષાના ઓલ ઈન્ડિયા ડોકટર ફેડરેશનના નવ નિયુક્ત પ્રમુખ અને એસએસજી હોસ્પિટલના આરએમઓ ડો. ડી. કે. હેલૈયાનુ સન્માન કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં જોઇન્ટ કમિશનર સીજીએસટી દીપક ઝાલા, અધિક કલેકટર હિમાંશુ પરીખ, જોઇન્ટ ડાયરેક્ટર અનુ. જાતિ કલ્યાણ નયના બેન શ્રીમાળી, જિલ્લા રજિસ્ટ્રાર નીલમ બેન ચાવડા, વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શર્મિષ્ઠા સોલંકી, મ્યુનિસિપલ કાઉન્સિલર લીલાબેન મકવાણા, રશ્મિ બેન વાઘેલા, પૂર્વ જોઇન્ટ ડાયરેક્ટર અનુ. જાતિ કલ્યાણ પી.એમ.ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘ્યેય યુવા સંગઠન દ્વારા છેલ્લા પંદર વર્ષથી આંબેડકર મહા પરિનિર્વાણ દિને ઐતિહાસિક સંકલ્પ નગરી વડોદરાના વિવિઘ વિસ્તારોમાં લોક ડાયરો ભીમ વંદનાનુ આયોજન કરવામાં આવે છે .
કાર્યક્રમનું આયોજન ઘ્યેય યુવા સંગઠનના ગોપાલ બામણીયા, હિતેષ ઈંટવાલા, મનીષ ચૌધરી, ધર્મેન્દ્ર ચૌહાણ, ગિરીશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનુ સંચાલન મનોજ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું.