Chhota Udepur
ભૂમિ પૂજન: જેતપુરપાવી તાલુકાના શિથોલમાં નવીન શાળા ઓરડા બનાવાશે
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જેતપુરપાવી તાલુકામાં આવેલી જર્જરીત શાળાઓના નવીનીકરણ કરવા માટે સર્વ શિક્ષા અભિયાન ગુજરાત અંતર્ગત તાલુકાના શીથોલ ગામે નવીન શાળાના ઓરડા તૈયાર કરવા માટેની મંજૂરી મળતા જેતપુરપાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા,ગોવિંદભાઈ રાઠવા, જેતપુરપાવી તાલુકા પ્રમુખ હીનાબેન એમ બારીયા, કારોબારી સભ્ય યોગેશભાઈ રાઠવા, સિથોલ ગ્રામ પંચાયતના સરપંચ ઉદેસિંહભાઈ રાઠવા, હોદ્દેદારો ગ્રામજનો સહિત સાથે મળી વિધિવત રીતે નવીન ઓરડાનું ભૂમિ પૂજન કર્યું હતું. જેમાં સીથોલ ગામે ધોરણ ૧થી ૮ના ૮ ઓરડા માટે ૧.૩૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર હોય ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરાયો હતો. આ દરમ્યાન પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે ધારાસભ્યએ દીપ જ્યોત પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો સહિત અનેક સામાજિક કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા પાયાનું શિક્ષણ મજબૂત બને તે માટે ગ્રામીણ ક્ષેત્રોની જર્જરીત શાળાઓ પૈકી શાળાના જર્જરિત ઓરડા દૂર કરવાના હુકમો છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સર્વ શિક્ષા અભિયાન ગુજરાત અંતર્ગત નવીન શાળાના ઓરડાના બાંધકામની મંજૂરી મળી રહી છે. ત્યારે બાળકોનુ શૈક્ષણિક યોગ્ય વાતાવરણમાં ઘડતર થાય તે માટે વ્યવસ્થાના ભાગરૂપે શાળાના ઓરડાને બાંધકામની મંજૂરી મળતા શાળાના શિક્ષકો તેમજ આચાર્યોએ રાજ્ય સરકારને આભાર વ્યક્ત કર્યો હતો. તો બાકી રહેલી તાલુકાની અન્ય શાળાઓની કામગીરી જલ્દીથી શરૂ થાય અને બાંધકામની મંજૂરી મળે તે દિશામાં ધારાસભ્યએ પ્રયાસો હાથ ધર્યા હતા