Gujarat
સિધ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો.
સિધ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં ખાલી પડેલ 4 બેઠકો માટે મતદાન થયું હતું જેમાં ભાજપ અને કોંગ્રેસના 4-4 ઉમેદવારો તેમજ અપક્ષના 2 ઉમેદવારો મેદાને હતા. જેમાં આજ આજ રોજ મામલતદાર કચેરી ખાતે મતગણતરી પ્રકિયા બાદ પરિણામ જાહેર કરાતા ભાજપની પેનલના તમામ ચારેય ઉમેદવારો વિજય જાહેર થતા સિદ્ધપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો.
સિધ્ધપુર નગરપાલિકાની વોર્ડ નં-2 ની 4 બેઠકો માટે પ્રાંત અધિકારી સિધ્ધપુર સંકેત પટેલની આગેવાનીમાં યોજાયેલી મતગણતરી પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીના તમામ ચારેય ઉમેદવારો વિજયી થયા હતા જેમાં સૌથી વધુ 1503 મત નિરમાબેન સેધુસિંગ ઠાકોરને તે બાદ નટવરલાલ કાળીદાસ પટેલને 1393 મત, પુષ્પાબેન મુકેશભાઈ પટેલ ને 1359 મત અને ભરતભાઈ જીવરામભાઇ પટેલને 1248 મત મળ્યા હતા. જેથી આ ચારેય ઉમેદવારોને હવે સિદ્ધપુર નગરપાલિકાનું સદસ્ય પદ મળશે.
ભાજપના કાર્યાલય ખાતે વિજય ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ આતિશબાજી કરીને જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનોએ ઉપસ્થિત રહીને વિજયી ઉમેદવારોને વધાવીને અભિનંદન પણ પાઠવ્યા હતા.
ભાજપે આ ચૂંટણી સિદ્ધપુરના ધારાસભ્યની રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની આગેવાનીમાં લડાવી હતી. જેમાં ભાજપના તમામ ચારેય ઉમેદવારો વિજયી થતા કોંગ્રેસના તથા અપક્ષોના સુપડા સાફ થઈ ગયા હતા. સિધ્ધપુર નગરપાલિકામાં ભાજપનો દબદબો ફરી પણ યથાવત જોવા મળ્યો હતો. જયારે આ ચૂંટણીમાં 8018 માન્ય મતો રહ્યા હતામ જેથી ડિપોઝિટ બચાવવા માટે ઓછામાં ઓછા ૩૩૪ મતોની જરૂરિયાત હતી જેની સામે કોંગ્રેસના જયાબેન નાનજીભાઈ શાહ 162 મત, દીપિકાબેન હિરેનકુમાર ઠાકર પણ 162 મત, પિંકીબેન કનુભાઈ પટણી 220 મત મેળવી શકતા આ ત્રણેય ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી.