Editorial
હર્ષિલ અને હરેશ બન્ને સહપાઠી મિત્રો હતા.
હર્ષિલ અને હરેશ બન્ને સહપાઠી મિત્રો હતા. બન્ને ગામમાં જ આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૫ માં ભણતા હતા. હર્ષિલ, એ જ શાળામાં ભણાવતા શિક્ષિકા એવા આશાબેનનો દિકરો હતો. ગામના લોકો માયાળુ અને પ્રેમભાવ વાળા હતા. એમના સાથ સહકારના પરિણામે એક બે શિક્ષકોને બાદ કરતાં બધા જ શિક્ષકો ગામમાં જ રહેતા હતા. આશાબેન નું વતન દૂર હોવાથી તેઓ પણ ગામમાં જ રહેતા હતા. એમના પતિ પણ નોકરી કરતા હોવાથી તેમની સાથે રહી શકે એમ નહોતા, માટે આશાબેન હર્ષિલ સાથે અહીં ગામમાં રહેવાનું પસંદ કર્યું હતું, જેથી કરીને નોકરીએ જવા આવવામાં સરળતા રહે. પોતે પણ માયાળુ અને ઉદાર સ્વભાવના હતા. શાળા માં દરેક બાળક ઉપર એટલો જ હેત વરસાવે જેટલો તેઓ હર્ષિલ પર વરસાવતા હતા. સામે છેડે નાના ભુલકાઓ પણ આશાબેન સાથે લાગણી ના તાંતણે ગૂંથાઈ ગયા હતા. તેઓ કોઈ દિવસ હર્ષિલ અને શાળાના બીજા બાળકો વચ્ચે ક્દી પણ ભેદભાવ નાં રાખતા. બાળકો ને કંઈ પણ વાતની મુજવણ હોય તો તેઓ સૌ પ્રથમ આશાબેન જ કહે ! અને આશાબેન પણ તેઓની મુંજવણ અવશ્ય દૂર કરતા. એમ કહોને કે એ ભુલકાઓની સંકટ સમયની સાંકળ એ આશાબેન જ હતાં.
હર્ષિલ શિક્ષિકા બહેનશ્રીનો દિકરો હતો એટલે ભણવામાં હોશિયાર હોય એ સ્વાભાવિક છે. સાથે સાથે શરમાળ અને સંસ્કારી પણ એટલો જ ! હંમેશા શાંત, સમજદાર અને બધાની સાથે ભાઈચારો રાખનાર ! હરેશ ગામના જ એક ખેડૂતનો પુત્ર હતો. તે ભણવામાં ખાસ એટલો બધો પાવરધો નહોતો પણ હર્ષિલ સાથે એને ખુબ સારૂં બનતું. હર્ષિલને પણ હરેશ વગર ચાલતું નહીં. બન્ને પાકાં ભાઈબંધ બની ગયા હતા. હર્ષિલના લીધે હરેશ પણ વગૅમા અંકાવા લાગ્યો હતો. ઘણીવાર હર્ષિલના હોશિયારીપણાનો લાભ હરેશને પણ મળતો ! વગૅના વિદ્યાર્થીઓમા હરેશનું માન વધવા લાગ્યું હતું. આશાબેન પણ આ બન્ને ની ભાઈબંધી ને પુરેપુરો સહકાર આપતા હતા. દરરોજ બપોરે મોટી રિષેસ પડે એટલે આશાબેન હર્ષિલને પોતાની સ્કુટી માં લઇ ઘરે જમવા માટે જતાં. તેમની સાથે ઘણીવાર શાળા ના એક બે બાળકો પણ સ્કુટી માં ચઢી બેસતા. આશાબેન પણ કશી જ આનાકાની કયૉ વિના એ બધાને પોતાના ઘરે લઈ જતા. અરે ! અમુક બાળકોએ તો બેનના ઘરે જવાના વારા પણ પાડી નાખેલા હતા. આ બધામાં હર્ષિલ, હરેશ ને પણ પોતાના ઘરે લઈ જતો. ત્યાં એને જમાડતો, પોતાના રમકડાં પણ રમવા આપતો.
શાળા માં રજા હોય એ દિવસે હરેશ પણ પોતાના ભાઈબંધ હર્ષિલ ને પોતાના ખેતરે લઈ જતો અને ત્યાં ખેતરના શેઢે શેઢે એને ફેરવતો. વાડીમાં પાકેલા અલગ અલગ ફળો એને ખડાવતો. આંબાની ડાળે હીંચકો બાંધી હવા સાથે વાતો કરાવતા હીંચકા પણ નાંખતો. આમ છ દિવસ શાળામાં હર્ષિલ હરેશને સાચવી લેતો અને રવિવારે હરેશ હર્ષિલના આખા અઠવાડિયાનો થાક ઉતારી દેતો ! હરેશની એક દિવસની પરોણાગત આગળ હર્ષિલના બધાં રમકડાં અને તેની કરેલી મદદ સાવ ઝાંખી પડી જતી. હર્ષિલ અને આશાબેન પણ હરેશ આગળ ઘણીવખત કબુલ કરતા કે; ” હરેશ ! તારા ખેતરે ગાળેલા એક રવિવાર આગળ શાળાના છ એ છ દિવસ સાવ ફિકકા લાગે છે ! એયને મસ્ત મજાનો ઠંડો પવન વાતો હોય, આંબાનો છાંયડો હોય, તારી માં ના હાથે ઘડાયેલો ચંબુ જેવો બાજરાનો રોટલો હોય, ઘીમાં લથબથ ચટણી અને પેલી તાંસળી ભરેલી ઠંડી છાશ તો કેમ ભૂલાય ! હું તને ગમે એટલી સગવડ આપું ને, તો પણ તારા ખેતરનાં રવિવારના આનંદનું વળતર ના આપી શકું.”
હરેશ ફક્ત નિર્દોષ સ્મિત કરી બેનની વાત સહર્ષ સ્વીકારતો. આ રીતે હરેશ અને હર્ષિલ બન્ને ખુબ નજીક આવી ગયા હતા. બન્નેને એકબીજા વિના સહેજ પણ ચાલતું નહોતું. તેમની નિર્દોષ ભાઈબંધી ફાગણમાં મ્હોરેલા આંબાની જેમ આખીય નિશાળમાં સારી પેઠે ફૂલીફાલી હતી. એવામાં એકવાર આશાબેનને પોતાના કોઈ અંગત કારણોસર હર્ષિલ ને ભણવા માટે વતનમાં મુકવો પડ્યો જ્યાં હરષિલના દાદા-દાદી રહેતા હતા. હરેશ – હર્ષિલ વિખૂટા પડી ગયા. દોસ્તીના મ્હોરેલા આંબાને કમોસમી માવઠા જેવો વિયોગ અડી ગયો. હરેશને તો જ્યારથી હર્ષિલ શાળા છોડી ગયો હતો, ત્યારથી ક્યાંય ગમતું નહોતું, ફાવતુ નહોતું. એમાંય રવિવારે તો ખાસ એને હર્ષિલ યાદ આવતો. આશાબેન હરેશ ની સઘળી પીડા જાતે અનુભવતા હતા પણ તેઓ મજબુર હતા. હરેશને એકલો ઝૂરતો જોઈ તેની આંખો ઘણીવખત ઉભરાઈ પણ જતી પણ તેઓ એ આંસુડાં કોઈને કળાવા નહોતાં દેતાં, ફક્ત તેમની સાડીનો પાલવ એ બધું જાણતો હતો જ્યાં તેઓ ઘણીવખત ઉભરાયેલી આંખો લૂછતાં હતા.તેઓ પણ ઘણીવાર હરેશ ને જોઈ કરૂણા સભર બની જતા. પોતે ઈચ્છતા હોવાં છતાં પણ, હર્ષિલ ને શાળામાં પાછો લાવી શકે એમ નહોતા હરેશને પાસે બોલાવી તેના માથે મમતા ભર્યો હાથ ધરી સમજાવતા અને હેતની અમીવષૉ વરસાવતા. હરેશ બેનના આવા આશ્વાસન થકી ધીરે ધીરે ભણવામાં મન પરોવવા લાગ્યો. છતાં, અંતરે તો હર્ષિલ ની છબી ક્યારેય વીસરાય એમ નહોતી.
આશાબેને એકવાર વગૅમાં બધા વિદ્યાર્થીઓને “મિત્રને પત્ર” નામનો પત્ર લખવા આપ્યો. બધા વિદ્યાર્થીઓની સાથે સાથે હરેશે પણ પત્ર લખ્યો. એ પત્ર હર્ષિલ ઉપર જ હોય એમાં પુછવાનું હોય જ નહીં ! થોડીવાર થઈ સમય પૂર્ણ થતાં, બેન બધા વિદ્યાર્થીઓની નોટબુકો એકત્ર કરી લીધી. શાળામાં સમયના અભાવે “નોટબુકો ઘરે લઈ જઈ તપાસીસ.” એમ નક્કી કર્યું. સાંજે શાળાએથી છૂટીને આશાબેન પેલી નિબંધની નોટબુકો ઘરે લઈ ગયા.
ઘરનું બધું કામકાજ પરવારી બેન નોટબુકો તપાસવા બેઠાં. બધાં જ બાળકો ની નોટબુકો તેઓ ધ્યાન થી તપાસતા હતા. દરેક બાળકે પત્રમાં ક્યાં ક્યાં ભૂલો કરી છે એ સુધારા રૂપે પાછલાં પાને સાચા શબ્દો, સુચનો લખતાં હતાં. એમ કરતાં કરતાં બેનના હાથમાં હરેશની નોટબુક આવી. મિત્રને પત્ર હતો એટલે સ્વાભાવિક રીતે કુતૂહલ હતું કે હરેશે પત્રમાં શું લખ્યું હશે ?
પત્ર નિર્દોષ અને કાલીઘેલી ભાષામાં લખાયેલ હતો. પધ્ધતિ કે નિયમ ક્યાંય સચવાયો નહોતો છતાં,ભાવભીનો હતો પત્રનું લખાણ આ મુજબ લખાયેલ હતું ;
” મારો ભાઈબંધ હર્ષિલ ”
હર્ષિલ તું મને છોડીને ગયો છે, ત્યારથી મને લગીરેય ગમતું નથી. તું કેમ મને મુકીને જતો રહ્યો ? વગૅના ઘણા છોકરા મને કહે છે કે ; તું મારાથી કીટ્ટા કરી ચાલ્યો ગયો છે. હે એ..? હર્ષિલ તું મારાથી કીટ્ટા કરી છે ? સાચું બોલ, તને બેનના સમ ! પેલી તારી સાયકલ નું પેન્ડલ ભૂલથી મેં તોડી નાખ્યું હતું એટલે તે મારાંથી કીટ્ટા કરી છે ? હવે એવું નઈ કરું બસ ! મારી માં નાં સમ. તને ખબર છે ? મારી પેલી ભૂરી ભેંસ ને એના જેવી જ ભૂરી ભૂરી ભટ્ટ પાડી આવી છે ! બહું જ મસ્ત છે. પેલા આંબાની ડાળ ખેતરે નડતી હતી એટલે બાપુજી એ કાપી નાખી છે જ્યાં હિંચકો બાંધી આપણે હિંચતા હતા. પણ તું ચિંતા ના કરતો આપણે બીજો આંબો છે ત્યાં હીંચકો બાંધીશુ.આ વખતે વાડીએ બાપુજી એ મોટો હોજ બનાવડાવ્યો છે. તું જલ્દી પાછો આવી જા આપણ બેઉ હોજમાં પડી ખૂબ ધૂબાકા મારશુ ! બેનને કહેજે ને ! તને અહીં લાઈ દે ! ”
લિ. વાડીવાળો હરેશ.
પત્ર પુરો થયો પણ, બેનની આંખોમાંથી ટપકતાં આંસુ પુરાં ના થયાં. નોટબુક હાથમાં રાખી ક્યાંય સુધી બેસી રહ્યા. તેમની આંખો આ નાદાન અને ભાવભીનો પત્ર વાંચી લાગણીથી તરબતર થઈ ગઈ હતી. હરેશ – હર્ષિલ ની માસુમ ભાઈબંધી બેનની આંખમાં અશ્રુ બની ટપકતી હતી. અંતરમાં ધરબાયેલ બધી લાગણીઓ આજે જાણે આંસુ બની એ નોટબુક ના પાના પર વરસી પડી હતી. પંખાના પવનથી વારે વારે ઉંચે ઉઠી નોટબુક માં લખેલા પત્રનુ પાનું બેનના મોઢે અડકતુ હતું જાણે ! હરેશ પોતેજ બેનના આંસુ પોતાના નાજુક હાથની લૂછતો ના હોય !
ઘણીવખત આપણે આપણી રોજિંદી દોડધામ અને ધંધાદારી માં આપણાં બાળકોને એક શાળામાંથી ઉઠાડી બીજી શાળામાં વારેઘડીએ બેસાડીએ છીએ. આપણે આપણી અનુકૂળતા ઘણી જ જોઈએ છીએ અને વિચારીએ છીએ પણ, કોઈ દિવસ વારે શાળા બદલાતા બાળકોની શું હાલત થતી હશે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો ? નવી શાળામાં એમને તાલમેલ મેળવતાં કેટલી તકલીફ પડતી હશે !
છેલ્લે આપ સૌને એટલી જ અરજ છે કે આપના બાળકને કમસેકમ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ના થાય ત્યાં સુધી એને એજ શાળામાં ભણવા દો જ્યાં આપે એને પહેલા ધોરણમાં મુક્યો હતો. પહેલું ધોરણ અહીં, પાંચમું ક્યાંક બીજે અને સાતમું પણ બીજે ! આવું કરી નાના ભુલકાઓની લાગણીઓ ચકનાચૂર ના કરશો તેમજ એમના બાળપણ રૂપી પંખીને પીંખશો નહીં.
( સત્ય ઘટના આધારિત વાતૉ.)
:- વિજય વડનાથાણી…