Panchmahal
સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત તળાવો, ચેકડેમો ઉંડા કરવાની ઝંબેશ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત તળાવો, ચેકડેમો ઉંડા કરવાનું કાર્ય ઝંબેશરૂપે હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે પંચમહાલ જિલ્લામાં આજે સુજલામ સુફલામ જળ અભિયાન –૨૦૨૩નો શુભારંભ કાર્યક્રમ પૂર્વ મંત્રી અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની હાજરીમાં જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામ ખાતેથી
યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્યએ સુરેલી સ્થિત તળાવ ખાતે પહોંચીને જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરાઈ હતી.શાળાની બાળકીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કરાયું હતું.મહાનુભાવોએ બાળકીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથારે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન એ જનભાગીદારી થકી આજે તહેવારનારૂપે ઉજવણી કરાય છે,રાજ્યસરકારના પ્રયાસોથી આજે આ અભિયાન સફળ થયું છે અને છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જળસંચયને લઈને શ્રેષ્ઠ કામગીરી થઇ છે.આજે આપણા સુરેલી ગામમાં જ પાણીના સંપની ટાંકી બની છે અને આવનાર સમયમાં બીજા બે પાણીના સંપ પણ ચાલુ કરાશે. તેમણે પાણી બચાવની સાથોસાથ પાણીનો વ્યય ના થાય તેનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે ઉપસ્થિત ખેડૂતોને ગાય આધારિત તથા પ્રાકૃતિક ખેતીને લઈને માહિતી આપી હતી.
આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે તળાવ જોડાણની કામગીરી શરૂ કરાઈ છે જેનો લાભ શહેરા અને ગોધરાના પૂર્વ ગામડાઓને મળી રહેશે. આ સાથે કડાણા ડેમમાંથી વહી જતું વધારાનું પાણી પાનમ જળ સિંચાઇ ખાતે નાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલે મહિલા સશક્તિકરણ, પાણીનું મહત્વ, નળ સે જળ યોજનાની ઉપલબ્ધિઓ વિશે વાત કરી હતી.
પંચમહાલ જિલ્લામાં ચાલુ વર્ષે ૧૫૦થી વધુ તળાવો ઊંડા કરવા,ચેકડેમની સાફ સફાઈ, ૧૦થી વધુ નદીઓને પુનર્જીવિત કરવી વગેરે જેવા કાર્યોનો આરંભ કરાશે.
આજના પ્રસંગે પાનમ કાર્યપાલક વી.આર.તલાર દ્વારા શાબ્દિક સ્વાગત અને નાયબ કાર્યપાલક એ.ડી.વ્યાસ દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.
આ તકે જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યઓ,જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન,તાલુકા વિકાસ અધિકારી સહિત પાનમ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
-સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩નો પંચમહાલના શહેરા તાલુકાના સુરેલી ગામથી શુભારંભ કરાવતા ધારાસભ્ય નિમિષાબેન સુથાર
-સરકારના પ્રયાસોથી જળ સંચય અને જનભાગીદારીનો આ ઉત્સવ આજે તહેવારરૂપી અભિયાન બન્યું છે-ધારાસભ્ય નિમિષાબેન સુથાર