Editorial
કેપ્ટન ભારત- મંદિરની અંદર ધડાધડ ફાયરિંગના અવાજો વારંવાર આવતા હતા
એસપીજીના મુખ્ય હેડને આવતા જોઈ સર્વે ઓફિસરો સાવજ પસાર થતાં બીજા પ્રાણીઓ આઘાપાછા થઈ વચ્ચે વાટ પડી જાય એમ બંને બાજુ કતાર બંધ ગોઠવાઈ ગયા અને “જય હિન્દ” બોલતા સલામી આપી દીધી.હેડની ચાલ ચલગત ઉપરથી અને મુખ ઉપરની રેખાઓ પરથી સ્પષ્ટ લાગતું હતું કે પરિસ્થિતિ કંઈક ગંભીર છે. તેઓ તરત આવી એક ઓફિસરની સામે ગંભીર મુદ્રામાં વાત શરૂ કરી. “ઓફિસર શું સ્થિતિ છે ? પરિસ્થિતિ કાબુમાં છે કે બે કાબૂ ?”
ઓફિસરે કડક શિસ્ત સાથે “જય હિન્દ” બોલી થોડીક ચિંતા અને તનાવ સાથે કેટલાક શબ્દોમાં હેડ આગળ વાત રજૂ કરતા કહ્યું, “સાહેબ પરિસ્થિતી ઘણી વિકટ છે, અંદર રહેલા આતંકવાદીઓએ માંગણી કરી છે, કે એમનો એક માણસ જેને આપણે ગયા વર્ષે કબજે કર્યો હતો, તે સોંપીશું તો જ તેઓ મંદિરને પોતાની બાનમાંથી મુક્ત કરશે પરંતુ કેપ્ટન ભારતસિંહ એમની વાત અવગણી એક ટુકડી સાથે એમના પર ઓચિંતો છાપો મારવા મંદિરમાં પહોંચી ગયા છે.” ઓફિસરની વાત સાંભળી મુખ્ય હેડ તાંબા જેવા લાલચોળ થઈ ગયા. તરત જ તેમના મુખમાંથી ઉકળતા ચરુ જેવા શબ્દો સરી પડ્યા. “આ કેપ્ટનન પણ ભારે સ્વછંદી બની ગયો છે.કોણે તેને અંદર જવાનો ઓડૅર આપ્યો ?” કોઈ કશું બોલ્યું નહીં. તેમણે ભારે તુચ્છકાર સાથે આગળ વધાર્યું.” આ મંદિરના ટ્રસ્ટ તરફથી ધમકી મળી છે કે મંદિરને કશું થવું ના જોઈએ, નહીં તો તેઓ હડતાલ કરી મોરચો માંડશે. સરકારનું પણ ખૂબ દબાણ છે કે આતંકવાદીઓની જે કંઈ પણ માંગણી છે એ પૂરી કરવી.મંત્રી પણ આવતાં જ હશે ! આ કેપ્ટન છે કે કોઈનું માનવા તૈયાર જ નથી. કંઈ પણ થાય તો એનું શું જવાનું છે ? મંદિરમાં બીજા કેટલાય દર્શનાર્થીઓ અંદર ફસાયેલા છે એ બધાનું શું થશે ? કંઈ પણ થશે તો જવાબ તો મારે જ આપવો પડશે કેપ્ટનને શું ?” “સાહેબ ! તમે વાયરલેસ ઉપર જે વાત કરી હતી એ અમે કેપ્ટન આગળ રજૂ કરી હતી, પરંતુ કેપ્ટન કોઈપણ કાળે અમારી વાત સાંભળવા તૈયાર જ નહોતા અને તેઓ હથિયાર સાથે મંદિરમાં ચાલ્યા ગયા.” સામે ઉભેલા ઓફિસરે પોતાનો બચાવ રજૂ કરતાં ફટાફટ બોલી ગયો.
વાત જાણે એમ હતી કે શહેરના પ્રખ્યાત એક ગણપતિ મંદિરમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને કેટલાય દર્શનાર્થીઓને પોતાના કબજામાં લઈ લીધા હતા બદલામાં તેઓ તેમના એક મુખ્ય માણસની માગણી કરી રહ્યા હતા.મંદિરના પરિસર બહાર પત્રકારોનો જમાવડો થઈ ગયો હતો અને હજારો લોકોની જન્મેદની ઉમટી પડી હતી. મંદિરની અંદર ધડાધડ ફાયરિંગના અવાજો વારંવાર આવતા હતા તેના ઉપરથી લાગતું હતું કે મંદિરમાં લશ્કર અને આતંકવાદી વચ્ચે ઘમાસાણ જામ્યું હશે. કયા સમયે શું થશે ? એ કોઈને કોઈ અંદાજો નહોતો. બહાર ઉભેલા સૌ કોઈના જીવ તાળવે ચોટી ગયા હતા. શહેર અને આખા દેશની ધડકનો જાણે થંભી ગઈ હતી.પત્રકારો પણ એકી શ્વાસે જીવંત પ્રસારણ દ્વારા રિપોર્ટ કરી રહ્યા હતા. મુખ્ય હેડ પણ ખૂબ જ ચિંતિત અવસ્થામાં વાયરલેસ ઉપર સતત વાત કરી રહ્યા હતા. લગભગ બે ત્રણ કલાક વીતવા આવી રહ્યા હતા. હવે બધું શાંત પડી ગયું હતું. કોઈ બંદુકના ફાયરિંગનો અવાજ આવતો ન હતો. થોડીવાર પછી કેપ્ટન ભારતે અંદરથી સંદેશો મોકલ્યો કે પરિસ્થિતિ હવે કાબુમાં આવી ગઈ છે. ભારતના શબ્દો સાંભળી મુખ્ય હેડ થોડા શાંત પડ્યા ઊંડો શ્વાસ લઈ અને હાસકારો અનુભવ્યો. અડધો કલાક વીત્યો ત્યારે મંદિરના સામેના પગથિયે કેપ્ટન ભારત પોતાના પરિવાર સાથે બહાર આવી રહ્યા હતા જેઓ આતંકવાદીઓના કબજામાં હતા. કેપ્ટન ભારતની એક દસ વર્ષની દીકરી જેને ખભા પર ગોળી વાગવાથી ઘાયલ થયેલી હતી.તેમનો એક દીકરો અને પત્ની તેમજ બીજા દર્શનાર્થીઓને સાજાં નરવા લઈ અને હિંમતભેર ખુમારીથી બહાર આવી રહ્યા હતા. મુખ્ય હેડ તરત જ પગથિયાં ચડતા સામેનું દ્રશ્ય જોતાં જ બધી પરિસ્થિતિ તેઓ સમજી ગયા. તેમની આંખો નમ થઈ ગઈ. ભારત ઉપર તેમને ગર્વ થવા લાગ્યો. તેમણે તાબડતોબ એમ્બ્યુલન્સ મંગાવી કેપ્ટન ભારતની દીકરીને સાથે તેમની પત્ની અને પુત્રને પણ એમ્બ્યુલન્સમાં બેસાડી હોસ્પિટલ રવાના કરી દીધા. ત્યારબાદ કેપ્ટન ભારતને ગળે વળગી પડ્યા અને બોલી ઉઠ્યા.”શાબાશ ! કેપ્ટન મને તમારા ઉપર ગર્વ છે. મને તો આ મંદિરના ટ્રસ્ટ અને સરકારના દબાણનું ટેન્શન હતું પરંતુ તમારો તો આખો પરિવાર મંદિરમાં આતંકવાદીઓના કબજામાં સપડાયેલો હતો, છતાં પણ તમે એક પળનો પણ વિલંબ કર્યા વગર અંદર ધસી જઈ બધાને બચાવી લીધા ? તમે ચાહોત તો સરકારની વાત માની આતંકવાદીઓને તેમનો માણસ સોંપી જોખમ વિના ઉકેલ લાવી શકતા હતા પણ તમે…..? હેડથી આગળ કશું જ ના બોલી શકાયું. આજુ બાજુ જોઈ બધાની સામે કેપ્ટન ભારતની પીઠ થાબડતા તેઓ ફરી બોલ્યા,” ખરેખર ધન્ય છે તમારી ફરજનિષ્ઠાની…! તમારા દેશપ્રેમને કેપ્ટન..!”
કેપ્ટન પણ છાતી ફુલાવી મર્દાનગીની અદામાં બોલી ઉઠ્યા,” સાહેબ મારું નામ ભારત છે એટલે મારા માટે મારો પરિવાર હોય કે પછી આખો દેશ,ભારતનો પરિવાર છે. હું એ બધાને જોખમમાં રહેલા કેવી રીતે જોઈ શકું ?”
મુખ્ય હેડની આંખોમાં કેપ્ટન પ્રત્યે દયાભાવ નહીં પરંતુ સર્વોચ્ચ સન્માન અને ગર્વની લાગણી હતી જે સ્પષ્ટ દેખાઈ આવતી હતી.
” જય હિન્દ…”
– વિજય વડનાથાણી…