National
CBIના સત્યપાલ મલિકના ઘરે દરોડા, હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ કેસમાં પહોંચી ટીમ
સીબીઆઈએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરની તપાસ કરી છે. CBIએ આ કાર્યવાહી કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટના મામલામાં કરી છે. ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે એજન્સીએ કુલ 30 સ્થળો પર દરોડા પાડ્યા છે. માહિતી અનુસાર, પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારનો આરોપ છે અને તેની તપાસના સંદર્ભમાં સીબીઆઈની ટીમ પૂર્વ રાજ્યપાલના નિવાસસ્થાને પહોંચી હતી. સત્યપાલ મલિકે જ આ કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. આ મામલે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો.
કેસ અનુસાર, 2019માં આ પ્રોજેક્ટ માટે એક ખાનગી કંપનીને આશરે રૂ. 2,200 કરોડનો સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટમાં ગોટાળો થયો હોવાનો આરોપ છે. સીબીઆઈએ આ કેસમાં ડિસેમ્બરમાં ઘણી જગ્યાએ દરોડા પણ પાડ્યા હતા. આ લોકોમાં કંપની સાથે જોડાયેલા કંવલજીત સિંહ દુગ્ગલ અને ડીપી સિંહ પણ સામેલ હતા, જેમના પર દરોડા પાડવામાં આવ્યા હતા. સત્યપાલ મલિકે એક ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો હતો કે તેમને આ પ્રોજેક્ટ સહિતની બે ફાઈલોને મંજૂરી આપવા માટે 200 કરોડ રૂપિયાની ઓફર પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી.
સત્યપાલ મલિક 23 ઓગસ્ટ, 2018 થી 30 ઓક્ટોબર, 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. તેમણે કહ્યું કે આ દરમિયાન આ પ્રોજેક્ટની ફાઇલ તેમની પાસે આવી હતી, જેના પર તેમને મંજૂરી માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર મળી હતી. આ કેસમાં એજન્સીએ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન નવીન કુમાર ચૌધરીની ધરપકડ કરી છે, ભૂતપૂર્વ અધિકારીઓ એમ.એસ. બાબુ, એમકે મિત્તલ અને અરુણ કુમાર મિશ્રા અને પટેલ એન્જિનિયરિંગ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે આરોપો અને કેવી રીતે કોન્ટ્રાક્ટને ખેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
સીબીઆઈ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે એજન્સીએ આ કેસ સાથે જોડાયેલી કેટલીક બાબતો માટે સત્યપાલ મલિકના નિવાસસ્થાને સર્ચ કર્યું હતું. સીબીઆઈ એપ્રિલ 2022થી આ કેસની તપાસ કરી રહી છે. કિરુ પ્રોજેક્ટ કિશ્તવાડથી 42 કિલોમીટરના અંતરે છે. 20 એપ્રિલ, 2022ના રોજ જમ્મુ-કાશ્મીર સરકારે સીબીઆઈને આ મામલાની તપાસ કરવાની માંગ કરી હતી. આરોપ છે કે આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવા માટે ઈ-ટેન્ડરો આમંત્રિત ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરોપ છે કે કોન્ટ્રાક્ટ આપવામાં કૌભાંડ આચરવામાં આવે તે માટે આવું કરવામાં આવ્યું હતું.