Panchmahal
સુરેલી પ્રાથમિક શાળાને ૧૪૨ વર્ષ પૂર્ણ થતાં સ્થાપના દિનની ઉમળકાભેર ઉજવણી
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પંચમહાલ સંચાલિત સુરેલી પ્રાથમિક શાળા ૧૪૨ વર્ષ પૂર્ણ કરી ૧૪૩માં વર્ષમાં પગરવ માંડી રહી છે ત્યારે શાળાની વિદ્યાર્થીઓના હસ્તે કેક કાપી શાળાનો જન્મદિવસ ઉજવાયો.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, ડાન્સ જેવા ૨૧ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ શાળાનાં મુખ્ય શિક્ષક રવિભાઈ પંચાલ એ શાળાનો સ્થાપનાથી લઈને આજ દિન સુધીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શાળા ગામનું ઘરેણું છે.સીઆરસી કો-ઓર્ડીનેટર સંજયભાઈ પટેલએ પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે અમો શાળામાં આવતા બાળકોને શિક્ષણ આપવા કટિબદ્ધ છીએ ત્યારે ગામનું બાળક ગામની જ શાળામાં ભણે એ અપેક્ષિત છે.
કાર્યક્રમના અધ્યક્ષ અને બીટ કેળવણી નિરીક્ષક ગૌરાંગ જોશી ના હસ્તે શાળામાં અભ્યાસ કરેલ વડીલો, શાળામાં અભ્યાસ કરીને નોકરી કરતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવેલ.તેઓએ શાળાનાં સ્થાપના દિન નિમિત્તે બાળકો, શિક્ષકો તથા વાલીજનોને શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત બાળકોને તિથિભોજન પણ આપવામાં આવ્યું હતું. ગામનાં સરપંચ, વડીલો, વાલીજનો, એસએમસી સભ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, તથા દાતાઓ સહભાગી થયા હતાં.