Ahmedabad
મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી ૧૭૯મી પ્રાગટ્ય જયંતી આદિ મહાપર્વોની ઉજવણી
દેવ પ્રબોધિની એકાદશીથી હિંદુ ચાતુર્માસ પણ સમાપ્ત થાય છે અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. હરિ પ્રબોધિની એકાદશી અને દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રબોધિની એકાદશી જીવનપ્રાણ શ્રી અબજીબાપાની ૧૭૯ મી પ્રાગટ્ય જયંતી ઉલ્લાસભેર ઉજવાઈ. આ સાથે જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૯૪ મી દીક્ષા જયંતી, શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૨૪ મી ભાગવતી મહાદીક્ષા જયંતી, ૨૨૩ મો પટ્ટાભિષેક દિન, ધર્મદેવની ૨૮૪ મી પ્રાગટ્ય જયંતી વગેરે મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ મંગળકારી અવસરે ચોવીસ કલાકની અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીજીસ્વયંમૂર્તિ અબજીબાપાશ્રી સંવત ૧૯૦૧ કારતક સુદ એકાદશી, સોમવાર ઈ.સ. ૨૦-૧૧-૧૮૪૪ માં પ્રગટ થયા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાને છેલ્લે મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે કચ્છના ભક્તો દર્શનાર્થે ગયા હતા, તેઓએ ભગવાનને ભગવાનને કચ્છમાં પધારવા પ્રાર્થના કરી હતી, તે વખતે ભગવાને વચન આપ્યું હતું કે, અમે તમારે ત્યાં પ્રગટ થઈશું અને વિવિધ સુખો આપીશું. તેમને આપેલું વચન સત્ય કરવા તેમજ પોતાના ૧૨૫ વર્ષ આ લોકમાં રહેવાનો સંકલ્પ પૂરો કરવા શ્રીજી મહારાજ શ્રી અબજીબાપા રૂપે પ્રગટ થયા. બાળમૂર્તિ શ્રી અબજીબાપાશ્રીને શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજના આદિ મહંત શ્રી અચ્યુતદાસજી સ્વામીને વર્તમાન ધરાવવાનો મહદ ભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. બાળ સ્વરૂપે વિલક્ષણપણું- સામાન્ય રીતે બાળક અડધો દિવસ ભૂખ્યું ન રહી શકે, જ્યારે બાપાશ્રી તો સ્તનપાન કર્યા વિના અઠવાડિયું, મહિનો કે છ-છ મહિના સુધી સ્તનપાન નહોતા કરતા, છતાં પણ હષ્ટપુષ્ટ તાજાને તાજા, આજે તેમની દિવ્યતાનો અલૌકિકતાનો પ્રત્યક પુરાવો હતો.
સંવત ૧૯૧૬માં અમદાવાદમાં આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ, સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીને જીવનપ્રાણ શ્રી અબજીબાપાનો મહિમા સમજાવતા કહે છે કે, આ અબજીભાઈ સ્વતંત્ર સિદ્ધિ સમાધિવાળા અને અતિ સમર્થ છે તથા શ્રીજી મહારાજ તેમના દ્વારા સર્વોપરી ઉપાસના અને સ્વરૂપ નિષ્ઠાની દૃઢતા સહુને કરાવે છે ત્યારે શ્રી ગુણાતીતનંદ સ્વામી બાપાશ્રીને હાથ જોડીને વંદન કરે છે. સંવત ૧૯૪૨ માં જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની પ્રાર્થનાનો સ્વીકાર કરી શ્રીજીમહારાજે નંદ પદવીના છેલ્લા સંત શ્રી ધ્રુવાનંદ સ્વામીને આ લોકમાં બે દિવસ વધારે રાખ્યા હતા.
જીવનપ્રાણ બાપાશ્રી અને સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી કથા પૂરી થયા બાદ આસને બેઠા હતા, હરેનો સમય થયો હતો એટલે સહુ સંતો ઠોકોરજી જમાડવા ગયા, તે વખતે સ્વામીજીએ જીવનપ્રાણ બાપાશ્રીને કહ્યું, જે આપનાં દર્શન બરાબર થતાં નથી માટે મારી પાસે આવીને દર્શન આપો, એટલે જીવનપ્રાણ બાપાશ્રી સ્વામી પાસે આવ્યા, ત્યારે સ્વામીજીએ ચશ્મા પહેર્યાં ને બોલ્યા જે હજી બરાબર દર્શન થતાં નથી માટે આંગડી કાઢી નાખો. જીવનપ્રાણ બાપાશ્રીએ આંગડી કાઢી નાખી કે તરત જ તેજનો સમૂહ નીકળ્યો, તે ચારેકોર તેજ છાઈ રહ્યું. એને જોઈને સ્વામીજી બોલ્યા: ઓહોહો, આપ આવા દિવ્ય તેજોમય મૂર્તિ છો!!! આ તો એકલું તેજ જ ભર્યું છે. સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા જીવનપ્રાણ અબજી બાપાશ્રીને સદ્ગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનો હાથ સોંપે છે. સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા પોતાના અનુગામી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાને આજ્ઞા કરી હતી, જે તમારે વર્ષો વર્ષ ઓછામાં ઓછું એક મહિનો તો કચ્છમાં જીવનપ્રાણ બાપાશ્રીનો સમાગમ કરવા અવશ્ય આવવું. તો એ આજ્ઞાને શિરોવંદ્ય કરતાં સદ્ગુરુબાપા સંવત ૧૯૮૪માં જીવનપ્રાણ બાપાશ્રી સ્વતંત્રપણે અંતર્ધ્યાન થયા ત્યાં સુધી વર્ષમાં એકવાર જીવનપ્રાણ બાપાશ્રીનો સમાગમ કરવા અચૂક જતા, અને જે વર્ષે ન જવાય તો બીજે વર્ષ બે માસ માટે સમાગમ કરવા જતા.
જીવનપ્રાણ શ્રી અબજીબાપા એટલે એટલે કારણ સત્સંગના જીવનદાતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગૂઢ સિદ્ધાંતોને જગત સમક્ષ સ્પષ્ટપણે કહેનારા, અજોડ મૂર્તિ, આશ્રિતજનના તારણહાર, સર્વોપરી ઉપાસના સમજાવનારા શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપા.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનાં સાનિધ્યમાં પ્રબોધિની એકાદશી, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી ૧૭૯ મી પ્રાગટ્ય જયંતી, જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૯૪ મી દીક્ષા જયંતી, શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૨૩ મી ભાગવતી મહાદિક્ષા જયંતી, ૨૨૪ મો પટ્ટાભિષેક દિન, ધર્મદેવની ૨૮૪ મી પ્રાગટ્ય જયંતી નિમિત્તે પૂજન, અર્ચન, આરતી, ધૂન, ઉજવણી કરાઈ હતી. આમ, કુલ છ મહાન પર્વોની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દેશ પરદેશના હરિભક્તોએ અણમોલ અવસરનો લ્હાવો લીધો હતો.