Gujarat
આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના સફળ ૬ વર્ષની ઉજવણી કરાઇ
આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના સફળ ૬ વર્ષની ઉજવણી કરાઇ
જિલ્લામાં યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન રૂપિયા ૧૧.૭૫ કરોડ રકમના કલેઇમ મંજૂર કરાયાં
પંચમહાલ, મંગળવાર :: આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૬ વર્ષ પુર્ણ થતાં ગોધરા તાલુકામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાંપા ખાતે આયુષમાન ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે સાંપા પી.એચ.સી. ખાતે પી.એમ.જે.એ.વાય.મા કાર્ડ કેમ્પ અને નિરામય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગ્રણી સર્વ પ્રતિમાબેન પરમાર, હિનાબેન ગઢવી અને ઉદેસિંહ પગી ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મહેશભાઇ ચૌધરી દ્વારા યોજનાકીય માહિતી આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ દરમ્યાન આયુષમાન કાર્ડ અને સિકલ સેલ કાર્ડના વિતરણ તેમજ ૬૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓ સહિતના તમામ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં હાલમાં ૧૫ હોસ્પિટલ્સનો યોજનામાં સમાવેશ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરનાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને આયુષમાન ભવ: કાર્યક્રમ દરમ્યાન 3,૬૦,૦૦૦ જેટલા લાભાર્થીઓની નોંધણી ખુબજ ટુંકા સમયમાં કરવામાં આવી હતી. જેથી પી.એમ.જે.એ.વાય.મા યોજના અંતર્ગત જિલ્લામાં કુલ ૭,૪૧,૧૫૨ જેટલાં લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ મેળવેલ છે તથા કુલ ૫,૨૧૦ જેટલાં ક્લેઇમ થકી લાભાર્થીઓએ અંદાજિત રૂપિયા ૧૧.૭૫ કરોડ જેટલી રકમનો સારવાર લાભ વર્ષ ૨૦૨૩-૨૪ પોલિસી પિરિયડ દરમ્યાન મેળવ્યો છે.
વધુમાં રોડ અકસ્માતના તમામ લાભાર્થીઓ પણ યોજના હેઠળ જોડાયેલ હોસ્પિટલ ખાતે કેશલેસ સારવાર મેળવી શકશે તથા ૭૦ વર્ષ કે તેથી વધુ વયજુથના તમામ લાભાર્થીઓ માટે પણ આયુષમાન કાર્ડની અરજી પ્રર્કિયા પ્રારંભ થશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.