Panchmahal
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન રાણીપુરા, હરકુંડીમાં વાર્ષિક પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી….

પંચમહાલ જિલ્લાના હાલોલ અને ગોધરાના રાણીપુરા અને હરકુંડી ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરો આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રો છે. મંદિર એ સાંસ્કૃતિક સંકુલ છે. મંદિર એટલે ભગવાનને રહેવાનું સ્થાન. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ,સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃતિઓનું કેન્દ્ર છે. મંદિરો એટલે માનવસુધારણાનું કેન્દ્ર સ્થાન છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને જીવો ઉપર કેવળ કૃપા કરી સંવત ૧૮૩૭ માં પ્રગટ થયા અને મુમુક્ષુ જીવોને પોતાના તરફ આકર્ષ્યા. તેમણે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા અનેક લીલા ચરિત્રો કર્યા અને પોતાની હયાતીમાં લાખો મનુષ્યોને સત્સંગી બનાવ્યા. સત્સંગનો પ્રચાર અને પ્રસાર વધુ થાય તે હેતુસર તથા આત્યંતિક મોક્ષની શરદઋતુ સદાય માટે ચાલતી રહે આવા ઉમદા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે મંદિરોની સ્થાપના કરી. એ જ પ્રમાણે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં સાર્વભૌમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પંચમહાલનાં મુમુક્ષુ જીવોને વ્યસનમાંથી મુક્ત કરી સુખમય અને શાંતિમય જીવન જીવવા માટેની કેળવણીનું સ્થાન એટલે શ્રી સ્વામિનારાયણ મંદિરોની રચના કરી છે.
એ જ શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની દિવ્ય નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સદ્ગુરુ સંતોએ, ભક્તો અને ભાવિકોની વિશાળ ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, રાણીપુરા ૧૨ મો અને શ્રી સ્વામિનારાયણ મંદિર, હરકુંડીનો ૨૩ મો વાર્ષિક પાટોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવ્યો હતો. આ અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મનુષ્ય જીવનમાં વ્યસનો અધોગતિને પંથે દોરે છે. ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા હોય તેને કોઈનો પણ ભય રહેતો નથી. જેણે ભગવાન પ્રત્યે દ્રઢ આશરો કર્યો હોય તે હંમેશા નિર્ભય રહે છે. જેમણે અધ્યાત્મ માર્ગમાં આગળ વધવું છે, વ્યવહારમાં પ્રગતિ કરવી છે તેણે પોતાના જીવનમાં વ્યસનની તિલાંજલિ અને સત્સંગનું સેવન કરવું પણ અનિવાર્ય છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પંચમહાલનાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર રાણીપુરા, હરકુંડીના વાર્ષિક પાટોત્સવમાં મોટેરા સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી સહજાનંદપ્રસાદદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હરિભક્તોએ ષોડશોપચારથી પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટોત્સવ, આરતી, જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, સંતવાણી – કથાવાર્તા વગેરેના અધ્યાત્મસભર આયોજનો થયાં હતાં. આ પાટોત્સવમાં દેશ દેશનાં હરિભક્તોએ દર્શન, શ્રવણનો લાભ લીધો હતો.