Gujarat
પંચમહાલમાં ૮ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી
લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના બને અને લોકો રાષ્ટ્રભક્તિ માટે આગળ આવે એવા ઉદ્દેશ્ય સાથે આગામી તારીખ ૮ થી ૧૪મી ઓગષ્ટ ૨૦૨૪ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જિલ્લામાં પણ “હર ઘર તિરંગા” અભિયાન યોજાનાર છે. આ અભિયાનને સફળ બનાવવા તેમજ સુચારુ આયોજન અર્થે, જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષ સ્થાને ગોધરા, કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે “હર ઘર તિરંગા” ઉત્સવને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે અને જનજન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે જિલ્લાની તમામ સરકારી-ખાનગી મિલકતો, વ્યાપારી સંકુલો, શાળાઓ, ઘરો પર તિરંગો લહેરાવા અને આ અવસરમાં સૌ નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
પંચમહાલ જિલ્લામાં ૧૨ ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાએ તથા ૧૩ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાએ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ તિરંગા પદયાત્રામાં પોલીસની પ્લાટુન,ગોધરા શહેરના વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, મહિલા મંડળો તથા યુવા મંડળો વિવિધ ડ્રેસ કોડ સાથે જોડાશે.કલેક્ટરશ્રી આશિષ કુમારે જિલ્લાના તમામ લોકોને સ્વયંભુ આ “તિરંગા યાત્રા”માં જોડાઈને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરવા અપીલ કરી છે સાથે દરેક વ્યક્તિ પોતાના ઘરે તિરંગો ફરકાવે,ધ્વજનું માન-સન્માન જળવાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.
જિલ્લામાં તા. ૦૮ થી ૧૦ ઓગસ્ટ દરમિયાન શાળા કક્ષાએ ચિત્ર,વકૃત્વ અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરાશે.૧૪ મી ઓગસ્ટના રોજ દરેક ઘર ખાતે એક દિયા શહીદો કે નામ કાર્યક્રમ યોજાય તે માટે તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ,સર્વ પ્રાંત અધિકારીઓ,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, મયંકભાઇ દેસાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
* કલેકટર કચેરી,ગોધરા ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરઆશિષ કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
* ૧૨ ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાએ તથા ૧૩ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાએ ત્રિરંગા યાત્રાનું આયોજન