Vadodara
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં નવી સુવિધાનો સોમવારથી પ્રારંભ

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે વડોદરાની એસ. એસ. જી. હોસ્પિટલ – કે જ્યાં ઉત્તર-પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દીવ-દમણમાંથી દરરોજ પાંચ હજારથી વધારે દર્દીઓ સારવાર માટે આવે છે. દર્દીઓના પરિવારજનો માટે રહેવા-જમવા માટે આમ તો અહીં ઈન્દુમતી ઠાકોરભાઈ પટેલ વિશ્રામ ગૃહ તો છે જ. પરંતુ, સોમવારથી એસ. એસ. જી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેના સંબંધીઓ માટે એક નવી સુવિધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, અને એ છે – વિશ્રામ સદન. હોસ્પિટલને અડીને આવેલા આ વિશ્રામ સદનમાં દર્દીઓના સ્વજનોની રહેવા-જમવાની મૂંઝવણનો તો કાયમી ઉકેલ આવશે જ, પરંતુ સાથે જ ગુજરાતની એકેય સરકારી હોસ્પિટલમાં નથી તેવી હોટલ જેવી સુવિધાસભર અને સગવડયુક્ત અનુભૂતિ પણ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના હૈયે ગરીબોનું હિત વસેલું છે. અને એટલા માટે જ ગરીબો, વંચિતો અને જરૂરિયાતમંદોની સેવા માટે ટીમ ગુજરાત સતત પ્રયત્નશીલ છે. અનેક યોજનાઓ થકી છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ સાથે જનસુખાકારીમાં મહત્તમ વધારો ગુજરાત સરકાર કરી રહી છે. સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલને ટક્કર આપે તેવી સુવિધા તો આપી જ રહી છે. પરંતુ, હવે તો દર્દીઓ સાથે દૂર-દૂરથી આવતા તેમના સંબંધીઓ માટે પણ રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
અંદાજિત ૨૪ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ‘વિશ્રામ સદન’નું આવતીકાલે એટલે કે તા. ૧૭ એપ્રિલે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર. કે. સિંઘ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. જેમાં રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ પણ વર્ચ્યુઅલ હાજરી આપશે. તેમજ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહેશે.
સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનો રહી શકે એ માટે પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા CSR હેઠળ અંદાજિત રૂ. ૨૪ કરોડના ખર્ચે તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સૌથી મોટું ‘વિશ્રામ સદન’ બનાવવામાં આવ્યું છે. ૬ માળનાં આ બિલ્ડિંગમાં ૨૩૫ લોકો રહી શકે એવા ૫૫ રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક ફ્લોર પર એક વી.આઈ.પી. રૂમ પણ બનાવાવમાં આવ્યો છે. જ્યારે બાકીના રૂમ ડોરમેટ્રી કેટેગરીના છે. જેનો લાભ સોમવારથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગાઓને મળતો થઈ જશે.
૪૨૦૦ થી વધારે સ્ક્વેરમીટર જગ્યામાં તૈયાર થયેલા આ ‘વિશ્રામ સદન’ના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે દીપક ફાઉન્ડેશન સાથે એમ. ઓ. યુ. કરવામાં આવ્યા છે. બિલ્ડિંગના પ્રથમ માળે ૬૬ માણસો જમી શકે તેવો સરસ ડાઈનિંગ હોલ છે. દરેક ફ્લોર પર ૧ વી. આઈ. પી. રૂમ છે, જેમાં બે બેડ સાથે સોફા પણ છે. જ્યારે ડોરમેટ્રી કેટેગરીની એક રૂમમાં ૪ બેડ છે, જેમાં લોકર, કબાટ તેમજ બાલ્કની સહિતની સુવિધા પણ છે. પ્રત્યેક માળમાં સ્ત્રી-પુરૂષ ઉપરાંત દિવ્યાંગો માટે પણ અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. શુદ્ધ પાણી માટે આર.ઓ. સાથે વોટર કૂલર, લોકર, લોન્ડ્રી, રિસેપ્શન સેન્ટર, અદ્યતન ફાયર સેફ્ટી, લિફ્ટ, જનરેટર, સર્વિસ કાઉન્ટર, હેલ્પ ડેસ્ક, ૨૪ કલાક સુરક્ષા માટે કેબિન તેમજ દરેક માળ પર ડિજિટલ સાઈન બોર્ડ સહિતની અનેક સુવિધાઓથી વિશ્રામ સદન સજ્જ છે.
હવે, સૌથી મોટો જે તમારો સવાલ છે તેનો પણ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ ‘વિશ્રામ સદન’ દર્દીઓના સગાઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થશે તેમાં બે મત નથી. રોગી કલ્યાણ સમિતિના નિયમોનુસાર દર્દીઓના સંબંધીઓને રહેવા અને જમવા માટે માત્ર નજીવી કિંમત ચૂકવવાની રહેશે.
સૌથી સારી અને ખાસ ધ્યાન માંગી લેતી વાત અહીં એ છે કે, આ વિશ્રામ સદનમાં રહેવા માટે કોઈ મર્યાદા કે શરતો નથી. આવકની મર્યાદા, વડોદરા શહેરની બહારથી જ આવેલા હોવા જોઈએ તેવી કોઈ પણ પ્રકારની શરતો કે મર્યાદા અહીં નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ કે જે દર્દીના સંબંધી છે, તેઓ અહીં આરામથી કોઈ પણ પ્રકારની અગવડતા અને હેરાનગતિ વગર રહી શકે છે. અને ગુજરાતની કોઇ સરકારી હોસ્પિટલમાં ન બન્યું હોય તેવા હોટલ જેવા જ ‘વિશ્રામ સદન’માં રહીને પોતાના સ્વજનની કાળજી રાખી શકે છે.