Editorial

ચક્કરડીનુ ઈનામ :મને તો આ ભીડ-ભાડ કે ધક્કામુક્કી, મેળો ગમતો જ નથી રમકડા તો બિલકુલ નહીં.

Published

on

વિજય વડનાથાણી.

” હવે એની વાત મૂકને ભાઈ ! શું આખો દિવસ મેળો મેળો કરે છે ? સાચું કહું, મને તો આ ભીડ-ભાડ કે ધક્કામુક્કી, મેળો આ બધું બિલકુલ ગમતું જ નથી અને એમાંય વળી રમકડા તો બિલકુલ નહીં. એ શું વળી આખો દિવસ રમકડા જ રમ રમ કરવાના ? કંઈક ખરીદવું જ હોય તો કંઈક વિડીયો ગેમ, બેડમિન્ટન, ક્રિકેટની કીટ એવું કંઈક ખરીદજે ને ! આ નાના છોકરાંના રમકડામાં શું ખરીદવાનું ?”

Advertisement

15 વર્ષની આરઝૂ પોતાનાથી ચાર વર્ષ નાના કુંતલને ઠાવકાઈથી કહી રહી હતી. કુંતલ બેનની વાતથી તરત લાવા જેવો થતાં બોલ્યો,” હવે તને એમાં કશી ખબર ના પડે ! રમકડા રમવાની તો કેવી મજા આવે ! તું કોઈ દિવસ આવા રમકડા રમી હોય તો ખબર હોય ને ! તને તો બસ ટીવી, સમાચારો, પુસ્તકો એ બધું જ ગમે છે. રમકડા તો ગમતા જ નથી. આવા રમકડા રમતાં શીખ, ક્યારેક કોઈ દિવસ મોટી થઈને તારું બાળપણ યાદ કરીશ. અત્યારથી આ પુસ્તકોને સમાચારો તારા કોઈ કામના નથી.” કુંતલ રીતસર જાણે કોઈ ઠરેલ સંતની માફક ઉપદેશ આપી રહ્યો હતો.બંનેની વાત વચ્ચે મધ્યસ્થી કરાવતા મમ્મી શુભાંગીબેન પોતાની સાડીનો પાલવ ઠીક કરતાં કરતાં તરત જ બોલ્યા,” હવે આરઝૂ તને ના ગમતો હોય તો કંઈ વાંધો નહીં, પણ મેળામાં તો તારે અમારી સાથે જ ચાલવું પડશે.જો સોસાયટીમાં પણ બધા મેળે ગયા છે. અમને પણ પરત આવતા બે ત્રણ કલાક થઈ જશે. એટલામાં તું કંટાળી જઈશ એટલે તું અમારી સાથે જ ચાલ.”

” પણ મમ્મી મને ભીડ અને શોરબકોર બિલકુલ ગમતો નથી.” આરઝૂએ હાથ તરછોડી અણગમો વ્યક્ત કર્યો.

Advertisement

“હવે માની જા ને બેટા ! એમાં શું છે બે ત્રણ કલાકની તો વાત છે !” મમ્મી પણ મક્કમ હતા.

એટલામાં આરઝુના પપ્પા અનંતભાઈ પણ આવી પહોંચ્યા.પપ્પાને જોઈ કુંતલ ખુશીથી ઉછળી પડ્યો,” હે…પપ્પા આવી ગયા પપ્પા આવી ગયા…હવે જલ્દી જલ્દી મેળામાં જઈશું ઘણા બધા રમકડા પણ લઈશું.”

Advertisement

આરજૂની ના હોવા છતાં પણ મમ્મીએ તેને જબરજસ્તીથી તૈયાર કરી અને ચારેજણ પોતાની કાર હતી એમાં બેસી અને બાજુમાં જ આવેલા શીતળા માતાના મંદિરે ભરાતા મેળામાં જવા રવાના થયા.

સૌપ્રથમ આનંદભાઈએ પોતાના પરિવારને શીતળા માતાના મંદિરમાં જઈ દર્શન કરાવ્યા. ત્યારબાદ ચકડોળમાં બેઠા અને કુંતલ માટે ઘણા બધા રમકડા પણ ખરીદ્યા. જો કે આરઝૂને આ બિલકુલ ગમતું નહોતું.તેનું મોઢું તો હજુ સુધી પણ ચડેલું જ દેખાતું હતું.એના મોઢા ઉપર મેળાનો કોઈ ઉત્સાહ નહીં પણ અણગમો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેળો પતાવી અને જ્યારે બધા ગાડી પાસે આવ્યા ત્યારે અચાનક જ આરજૂને જાણે કંઈક યાદ આવ્યું હોય એમ એને એના પપ્પાને સહજ ભાવે કહ્યું,” પપ્પા… પપ્પા મને 500 રૂપિયા આપો ને !”

Advertisement

પપ્પાએ આશ્ચર્ય સાથે આરઝૂ સામે નજર કરતાં કહ્યું,” કેમ બેટા ? તારે કશું લેવું છે ? જે લેવું હોય એ બોલને એ હું તને લઈ આપું છું.” આરઝૂ બોલી નહીં એટલે ફરી પપ્પા બોલ્યા,” અરે તારે કંઈ રમકડું લેવું હોય તો પણ કહે ?”
આરજુ એમની વાત વચમાં જ કાપતી હોય એ રીતે તરત જ બોલી “પપ્પા તમે આપો તો ખરા એ બધું પછી કહું છું.” પપ્પાએ દીકરીને વહાલથી પાકીટમાંથી 500ની નોટ કાઢી અને આરઝૂના હાથમાં આપી દીધી. જતાં જતાં શબ્દો હવામાં મૂકતી ગઈ,” પાંચ મિનિટ ઊભા રહેજો હું તરત જ આવી. પછી આપણે જઈએ.” આનંદભાઈ, એમની પત્ની અને પુત્ર ત્રણે ગાડીમાં બેસી ગયા. આરઝૂ બાજુમાં દેખાતી રમકડાંની દુકાન બાજુ જઈ રહી હતી. કુંતલ તરત જ બોલ્યો,” જોયું પપ્પા એ રમકડાની ના ના કહે છે એને ગમતા નથી અને કેવી લેવા દોડી જાય છે ? જુઓ એ રમકડાની દુકાન સામે જ જાય છે.” મમ્મી પપ્પાને પણ નવાઈ લાગતી હતી.ત્રણે ગાડીના અધખુલ્લા કાચમાંથી પોતાની દ્રષ્ટિ પરોવી અને આરઝૂની પાછળ જોઈ રહ્યા હતા. આરઝૂ દોડતી ગઈ અને રમકડાની દુકાનની બાજુમાં જ એક છોકરો ચક્કરડીઓ વેચતો ઉભો હતો ત્યાં ગઈ‌.એ નાના છોકરા જોડે ઘણી બધી ચકડીઓ હતી પરંતુ એટલી બધી જાણે વેચાઈ નહોતી. એ પોતાનો દિવસ સુધારવા આવતા જતાં લોકો સામે કાકલૂદી નજરે જોઈ રહ્યો હતો.આરઝૂ હળવેકથી એની પાસે જઈ અને 500 રૂપિયા આપી મોટાભાગની ચકરીઓ ખરીદી લીધી અને પવનની લહેરખીની જેમ પાછી ફરી અને મંદિર તરફ દોડી. કારમાં બેઠેલા મમ્મી પપ્પાને તો હજુ સુધી કંઈ જ સમજાતું નહોતું.મનોમન વિચારતા હતા,” આ આરઝૂને આવું કોઈ રમકડું તો ગમતું જ નથી તો આ ચક્કરડીઓ શું કામ લીધી હશે ? ”

એ જેમ દોડતી હતી એમ ચકડીઓ પણ વાયરાની ગતિએ ફડફડાટ ફરી રહી હતી જાણે આરઝૂના અરમાનોએ એ પણ ઓળખી જઈ ખુશ થઈ ગઈ હતી. આરઝૂ ધીરે ધીરે કરતા મંદિરના પગથિયે પહોંચી. ત્યાં ચાર પાંચ છોકરા ગરીબ બેઠા હતા. જે આવતા જતા દર્શનાર્થીઓને કંઈક આપવા માટે આજીજી કરી રહ્યા હતા. આરઝૂ એ બધાને પાસે જઈ દરેકને થોડી થોડી ચકરીઓ વેચીને બધી આપી દીધી. એ છોકરાં આનંદથી જાણે છલકાઈ ગયા.ગાડીમાં બેઠેલા અનંતભાઈની નજરે આ દ્રશ્ય જોયું તો એમની આંખોમાં એક ગર્વની લાગણી ઉભરાઈ રહી હતી અને મનોમન આરઝૂના કાયૅને વંદી રહ્યા હતા.

Advertisement

જ્યારે બીજી તરફ એ જ મંદીરના ચોગાનની બહાર એક બોકડે બેઠેલા પાંચ જુવાન અને એક વડીલ કે જેઓ જાણે પરોપકારનો દાખલો જ શોધતા હતા તેઓ બધા પણ આ નિસ્વાર્થ કાયૅને નીરખી રહ્યા હતા.આરઝૂ દોડતી પાછી આવી અને ગાડીમાં બેસી ગઈ.

હાંફતા શ્વાસે એ ફક્ત એટલું જ બોલી શકી,” હું ક્યારનીયે એ ચક્કરડીવાળાને જોતી હતી બિચારાને એની ચકકરડીઓ કોઈ લેતું નહોતું એટલે મારાથી ના રહેવાયું.”

Advertisement

તેનું આ કાર્ય જોઈ ગાડીમાં બેઠેલા પરિવારમાં અનહદ આનંદ અને ગર્વની લાગણી હતી. કોઈ કશું બોલ્યું નહીં.પછી બધા ગાડીમાં બેસીને પોતાના ઘર તરફ ચાલતા થયા.

મંદિરના પરિસરમાંથી બહાર નીકળતા જ થોડોક કાદવ કીચડ વાળો રસ્તો હતો ત્યાં ગાડી અંદર ચલાવવી જ પડે એવું જ હતું એટલે અનંતભાઈએ કાદવમાંથી ગાડી નીકાળવા પ્રયત્ન કર્યો પરંતુ કાદવ થોડો વધી ગયો હતો એટલે ગાડી સરકવા લાગી. આગળ વધી શકે એમ હતી નહીં. તેમણે મદદની આશાએ આજુબાજુ નજર કરી. એટલામાં જ પેલા પાછળથી પાંચ જુવાન અને એક વડીલ જેવો આરજૂના આ કાર્યને જોઈ રહ્યા હતા એ બધા સાથે મળી ગાડીને ધક્કો મારવા લાગ્યા અને ગાડી નીકળી ગઈ. અનંતભાઈ બધાનો આભાર માનતા ઘર તરફ ચાલતા ગયા.

Advertisement

ઘરે આવી કુંતલ પોતાના રમકડા ઉત્સાહ સાથે ઉઠાવી ઉતરીને ઘરમાં ચાલતો થયો. શુભાંગીબેન પણ જે જે વસ્તુઓ લાવી હતી એ લઈને ધીરેથી ઉતારીને ગાડી બહાર નીકળવા લાગ્યા. આરઝૂ પણ ઉતરીને ચાલી ગઈ. અનંતભાઈ બધા ગાડીના કાચ બંધ કરવા માટે ગાડીની ચારે બાજુ ફરી રહ્યા હતા. ત્યાં એમને નજર પાછલી સીટની ઉપર પડેલા એક પરબીડિયા પર સ્થિર થઈ.એમને આશ્ચર્ય થયું કે “આ શું છે ?”

કૂતુહલવશ તેમણે તરત જ તે હાથમાં લઈ ખોલીને અંદર જોયું તો અંદર પાંચ હજાર એક રૂપિયાનું બંડલ હતું અને એક ચબરખી હતી તેમાં એક જ લીટીમાં એટલું જ લખ્યું હતું કે “ચક્કરડીનુ ઇનામ !” અનંતભાઈની છાતી પોતાના ઉછેર ગદગદ ફુલી રહી હતી. જ્યારે પેલા બાંકડે બેઠેલા વડીલને પણ માણસાઈનો દાખલો તાદૃશ મળતા જાણે કહી રહ્યા હતા માનવતા તો અમીર ગરીબ કોઈનું ઘર જોતી નથી, ગમે ત્યાં મહેંકી ઉઠે છે.

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version