Panchmahal
ચલો બુલાવા આયા હૈ…હેઠળ પાવાગઢ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાશે
ચલો બુલાવા આયા હૈ…માતાને બુલાયા હૈ..સેવા અને શ્રમનું દાન કરી માની અસીમકૃપા મેળવીએ.આવો,પાવાગઢ તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનીએ.તા.૨૨ એપ્રિલના રોજ સવારે ૭ થી ૧૧ દરમિયાન પાવાગઢ પહોંચીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીએ.પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાનને લઈને યોજાઈ બેઠક
યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત આગામી તા.૨૨ એપ્રિલ શનિવારથી રાજ્યભરના વિવિધ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે પંચમહાલ સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાશે જેને લઈને આજરોજ પંચમહાલ જિલ્લા સેવા સદન કલેકટર કચેરી સભાખંડ,ગોધરા ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ સફાઈ અભિયાનને લઈને તમામ વ્યવસ્થાઓ ઊભી કરવા જણાવ્યું હતું.
તેમણે જિલ્લાના નાગરિકોને તથા સેવાભાવી સંસ્થાઓને ગરિમા અને પવિત્રતાના ભાગરૂપે પાવાગઢ તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનવા અપીલ કરી હતી. આ સફાઈ અભિયાન સવારે ૭ વાગ્યે શરૂ થશે જે ૧૧ વાગ્યા સુધી ચાલશે.જેમાં પાવાગઢ બસ સ્ટેશન, તળેટીથી માંચી સુધીનો રસ્તો,માંચીથી તારાપુર,દુધિયા અને છાસિયુ તળાવ,મંદિર પરિસર,પગથિયાં, રોપ-વે સહિત તમામ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાશે.સમગ્ર સફાઈ અભિયાનના નોડલ તરીકે પ્રાંત અધિકારીશ્રી હાલોલની નિમણુંક કરાઇ છે. ચલો બુલાવા આયા હૈ…માતાને બુલાયા હૈ….સેવા અને શ્રમનું દાન કરી માની અસીમકૃપા મેળવવા જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,પ્રાંત અધિકારી હાલોલ,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ,વિવિધ સેવાભાવી સંસ્થાઓના વડાઓ,લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ,વેપારીઓ સહિત અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.