Gujarat
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસની તારીખોમાં ફેરફાર
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧ લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝૂંબેશ દિવસ તરીકે અગાઉ નિયત કરવામાં આવેલી તા.૦૪/૧૧/૨૦૨૩ અને તા.૦૨/૧૨/૨૦૨૩ એમ બે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર હવે તા.૦૪/૧૧/૨૦૨૩ના બદલે તા.૨૬/૧૧/૨૦૨૩(રવિવાર) તથા તા.૦૨/૧૨/૨૦૨૩ના બદલે તા.૦૯/૧૨/૨૦૨૩ (શનિવાર)ને ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે.
આ સાથે જ ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવેલા તા.૦૫/૧૧/૨૦૨૩ (રવિવાર) અને તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર)ના દિવસોએ ખાસ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે ૧૦.૦૦થી સાંજે ૦૫.૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના વોટર હેલ્પલાઇન એપ અને વી એસ પી ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકાશે.