Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લા બાળ મજુરી વિરોધી ટાસ્ક ફોર્સનો સપાટો
પ્રતિનિધિ, કાજર બારીયા
એક બાળ શ્રમિક અને એક તરૂણ શ્રમિકને મુક્ત કરાયા
છોટાઉદેપુર જિલ્લા બાળ મજૂરી વિરોધી ટાસ્ક ફોર્સ જિલ્લાના બોડેલી અને પાવીજેતપુર તાલુકામાં આકસ્મિક ચકાસણી કરતા બોડેલી ખાતે લક્ષ્મી પાઉંભાજી અને પુલાવ સેન્ટરમાં કામ કરતા એક બાળ શ્રમિક અને એક તરૂણ શ્રમિકને મુક્ત કરાવી નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કમિટી દ્વારા તા.૦૬-૦૬-૨૦૨૩ના રોજ પાવીજેતપુર અને બોડેલી ખાતે ટાસ્કફોર્સ રેડ કરવામાં આવી હતી. ઉક્ત રેડ દરમિયાન ૧ બાળ શ્રમિક અને ૧ તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં આવતું હતું. જેની ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમિયાન બાળ શ્રમિક હોવાનું જણાઈ આવેલ. આથી તે બાળકોને બાળ મજુરીમાંથી મુક્ત કરાવી કાર્યવાહી કરીને બાળ સંરક્ષણ ગૃહ છોટાઉદેપુર ખાતે સોંપવામાં અવેલ તથા કામે રાખનાર સંસ્થા અને બાળ શ્રમિકનું નિવેદન લઈને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં છોટાઉદેપુર જિલ્લાના ઇ.ચા.સરકારી શ્રમ અધિકારી જે.જી.ગઢવી, જિલ્લા બાલ સુરક્ષા એકમ છોટાઉદેપુર તરફથી લીગલ કમ પ્રોબેશન અધિકારી જે.આઈ.બ્લોચ, પોલીસ સ્ટેશન છોટાઉદેપુર તરફથી પ્લેસમેન્ટ ઓફીસર, અનિલકુમાર છગનભાઈ રાઠવા તથા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી છોટાઉદેપુરના ક્લાર્ક એન.એમ.રાઠવા જોડાયા હતા. સંસ્થા લક્ષ્મી પાઉંભાજી અને પુલાવ સેન્ટર, પંચાયત શોપીંગ સેન્ટર મું.પો.અલીપુરા બોડેલીના માલિક સામે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરી છે. એમ જે.જી.ગઢવી મદદનીશ શ્રમ આયુક્ત છોટાઉદેપુર તરફથી જણાવાયુ છે.