Uncategorized
છોટાઉદેપુર જિલ્લામાં કદવાલ પોલીસ છે, આરોપીઓને પકડવામાં માહિર
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૨૦
છોટાઉદેપુર જિલ્લામાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવતા સ્થાનિક પોલીસ ટીમ એક્ટિવ મોડ માં જોવા મળી રહી છે. ત્યારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો આરોપી પોપટભાઈ રાઠવાને કદવાલ પોલીસે ઝડપી પાડ્યો હતો.
કદવાલ પોલીસ ગુનાખોરી ડામવા માટે આરોપીઓને પકડી પાડવાનું કામ કરી રહી છે અને તેમાં પણ ભૂતકાળમાં થયેલા ગુના અને તેમાં સંડોવાયેલા આરોપી કાયદા અને પોલીસથી ભાગતા ફરતા હોય તેવા આરોપીઓને પકડવા માટેની એક ખાસ મુહિમ કદવાલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
કદવાલ પોલીસ મથકના પી.એસ.આઇ કે.કે.પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના ઈન્ચાર્જ હે.કો કાળુભાઈ ભરવાડને બાતમી મળી હતી કે, છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ કલમ ૬૫(એ) (ઇ) ૯૮, (૨) ૮૧, ૮૩ મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પોપટભાઈ કમલાભાઈ રાઠવા રહેવાસી મોટા અમદરા, વચલું ફળિયુ તા, જેતપુર પાવી, જિલ્લો છોટાઉદેપુર જે ખટાશ ચોકડી ખાતે હાજર હોવાની બાતમી મળતા પી.એસ.આઇ કે.કે.પરમાર હે.કો કાળુભાઈ ભરવાડ, હે.કો સાગરભાઇ, પો.કો વિજયભાઈ નાઓએ ખટાશ ચોકડી ખાતે વોચમાં ઉભા હતા. તે દરમિયાન આ આરોપી ત્યાં આવતા તેને ઝડપી પાડી હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવા માટે છોટાઉદેપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં કદવાલ પોલીસે જુદી જુદી મોડસ ઓપરેન્ડી અપનાવી મોટા જથ્થામાં દારૂની ડીલીવરી પહોંચાડનાર આરોપીઓને ધરપકડ કરી છે. તો સાથોસાથ લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો તેમજ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો પણ કબજે કર્યો છે. કહેવાય છે કે આરોપીઓ કેટલા પણ શાતિર હોય પરંતુ, પોલીસનાં હાથ આરોપીઓ સુધી પહોંચી જતા હોય છે.