Chhota Udepur
પીઠોરા ચિત્રો માટે પદ્મશ્રી મેળવવા બદલ પરેશ રાઠવાને મુખ્યમંત્રીએ અભિનંદન પત્ર પાઠવ્યો.

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જીલ્લાના કવાંટના પ્રસિદ્ધ પીઠોરા ચિત્રકાર પરેશ રાઠવાને તા.૨૫ના રોજ પદ્મશ્રી ઘોષિત થયા પછી આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીનો ગાંધીનગરથી ખાસ અભિનંદન આપતો પત્ર કલેકટર કચેરી પર મોકલવામાં આવ્યો હતો. આ અભિનંદન પત્ર અધિક નિવાસી કલેકટર, આર.કે ભગોરા, જેતપુરપાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, કવાંટના મામલતદાર તેમજ અન્ય મુરબ્બીઓ વચ્ચે પરેશભાઈને અર્પણ કરવામાં આવ્યો હતો અને સર્વે મહાનુભાવો સામે વાંચીને સંભળાવવામાં આવ્યો હતો.
પત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૧૨૦૦ વર્ષ જૂની પીઠોરા કળાના વારસાને જીવંત રાખવા બદલ અને રાષ્ટ્ર કક્ષાનું બહુમાન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય અને કલેકટર કચેરી વતી પરેશભાઈને ગૌરવવંતુ સન્માન મેળવવા માટે શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે તેમને પદ્મશ્રી મળ્યું ત્યારે જેવી લાગણી થઈ તેવી જ લાગણી આજે મુખ્યમંત્રીના અભિનંદન પત્રથી થઈ છે. આમ જણાવતા તેમને ઉમેર્યું હતું કે કલેકટર મેડમ અને અધિક નિવાસી કલેકટર દ્વારા તેમને તમામ પ્રકારની માહિતી આપી સન્માન પત્ર એનાયત કરતા તેમજ શુભેચ્છા પાઠવતા તેઓને ખુશીની લાગણી થઈ આવી છે.
બૉક્સ-કલેકટર કચેરી અને જેતપુરપાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા કવાંટ મામલતદાર કચેરી ખાતે તેમનું બહુમાન કરવામાં આવ્યું.