Dahod
કારઠ પ્રાથમિક શાળામાં બાળ સાંસદ ચૂંટણી યોજાઈ
(પંકજ પંડિત દ્વારા)
ઝાલોદ તાલુકાની કારઠ પ્રાથમિક શાળામાં બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોની, બાળકો માટે અને બાળકો દ્વારા ચાલતી બાળ સાંસદ માટે સૌપ્રથમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ફોર્મ ભરવા, ફોર્મ પરત ખેંચવા, ફોર્મ રદ થવા અંગે માહિતગાર કરવામાં આવ્યા. શાળા મહામંત્રી માટે કુલ દશ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા તેમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું અને ત્રણ ફોર્મ રદ થયેલ હતા. છેલ્લે મહામંત્રી માટે છ ઉમેદવાર રહ્યા હતા. મહામંત્રીના ઉમેદવારોએ પોતાને જંગી બહુમતીથી વિજયી અપાવવા માટે વિદ્યાર્થીઓમાં પ્રચાર પ્રસાર કર્યો હતો. શાળામાં બાળ સાંસદ ચૂંટણી વોટિંગ મશીન એપ દ્વારા બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ દ્વારા યોજવામાં આવી હતી. મતદાન અધિકારી તરીકે શાળાના વિદ્યાર્થી તીર્થ, રુદ્ર, સતીશ અને મહિલા મતદાન અધિકારી તરીકે વિધિ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી.
પોલીસ અધિકારી તરીકે જયદીપ અને પ્રિતેશ દ્વારા કામગીરી કરવામાં આવી. ચૂંટણીની શરૂઆત તમામ ઉમેદવારોની હાજરીમાં મોકપોલ કરી પછી કરવામાં આવી હતી. શાળાના ધોરણ એકથી આઠના હાજર તમામ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. મતદાન શાંતપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. મત ગણતરી કરતાં છ ઉમેદવારોમાંથી સૌથી વધુ મત મેળવી અનિરુદ્ધ લબાના મહામંત્રી તરીકે પસંદગી પામેલ. કારઠ બાળ સાંસદ ચૂંટણીનું સમગ્ર આયોજન શાળાના સામાજિક વિજ્ઞાન શિક્ષક ઈશ્વરસિંહ બારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું. બાળ સાંસદ ચૂંટણીમાં શાળાના સમગ્ર સ્ટાફ અને શાળામાં ઇન્ટર્નશીપમાં આવેલ બી.એડ. તાલીમાર્થીઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.