Chhota Udepur
છોટાઉદેપુર : કોંગ્રેસના ૧૩૯મા સ્થાપના દિવસની કોંગી આગેવાનો દ્વારા ઉજવણી, કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરાયું

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ ૧૮૮૫માં તા. ૨૮મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે આજે તા. ૨૮મી ડિસેમ્બરે કોંગ્રેસ પાર્ટીના ૧૩૯માં સ્થાપના દિવસની છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કોંગ્રેસ પાર્ટીના અનેક લોકોએ દેશની આઝાદી માટે પોતના પ્રાણ ન્યોછાવાર કરી દીધા હતા. વર્ષ ૧૮૮૫ની તા. ૨૮મી ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી હતા. આ સાથે જ સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ.ઓ.હ્યુમ પણ હતા.
કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઇ નવરોજજીએ હાજરી આપી હતી. જોકે, દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે તા. ૨૮ ડિસેમ્બરના રોજ ૧૩૯મો સ્થાપના દિવસ છે, ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
છોટાઉદેપુર નારાયણ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ ખાતે કોંગી આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ ડી રાઠવા સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.