Chhota Udepur
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત મળતા છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિએ આતશબાજી સાથે ખુશી વ્યક્ત કરી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા રાહત મળતા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોમાં ખુશી છવાઈ હતી ત્યારે આજરોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા ની આગેવાની હેઠળ રતનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આતશબાજી કાર્યક્રમ યોજી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
તાજેતરમાં જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો હતો થોડા વર્ષો અગાઉ તેઓએ એક જાહેર સભામાં મોદી સરનેમને લઈ ટિપ્પણી કરી હતી જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરત ખાતે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ આ મામલે ફરિયાદ દાખલ કરાવી હતી જે બાદ કેસ મામલે કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી સુરત કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ માંથી સમગ્ર મામલે રાહુલ ગાંધીને બે વર્ષની સજાની જોગવાઈ યથાવત રખાઈ હતી.
જે બાદ રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા પણ રદ થઈ હતી ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાંથી રાહુલ ગાંધી માટે રાહતના સમાચાર સામે આવ્યા હતા જ્યાં સુપ્રીમ કોર્ટે કેટલીક બાબતે રાહુલ ગાંધીને ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યા બાદ તેઓની સજા ઉપર સ્ટે મૂકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને રાહતના સમાચાર પ્રાપ્ત થતા જ દેશભરના કોંગી કાર્યકરોમા અનેરો ઉત્સાહનો માહોલ છવાયો હતો ગુજરાત થી લઈ દિલ્હી સુધી કોંગી કાર્યકરોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને વધાવી લઈ ઉજવણી કરી હતી. ત્યારે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા ની આગેવાની હેઠળ રતનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આતશબાજી સાથે કાર્યક્રમ યોજી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી