Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા અતિવૃષ્ટીમાં થયેલ જમીન ધોવાણ અને પાકનાં નુક્શાન અંગેનાં પ્રશ્નોની રજુઆત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને અભેસિંહ તડવીની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેક્ટર કે.ડી.ભગતે બેઠકમાં ઉપસ્થિત સૌ સભ્યોને આવકાર્યા હતા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા અતિવૃષ્ટીમાં થયેલ જમીન ધોવાણ અને પાકનાં નુક્શાન અંગેનાં પ્રશ્નોની રજુઆત કરી હતી. જેમાં તપાસ પૂર્ણ થયેલ છે અને જે ગામનાં ખેડૂતોને ૩૩% ઉપર નુક્શાન થયુ છે તેમને ઝડપથી લાભ મળશે તેવુ સંબંધીત સરકારી વિભાગનાં અધિકારીએ જણાવ્યુ હતુ. ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા મુખ્યમંત્રી બોર્ડર વિલેજ યોજના તેમજ તેમાં થઈ રહેલ કામ પ્રત્યે ધ્યાન દોરાયુ હતુ. તથા કેટલાક આંતરીયાળ ગામોમાં આંગણવાડી અને પ્રાથમિક શાળામાં જવા માટેનો સડક માર્ગ સારો ન હોવાથી તે પ્રશ્નની રજૂઆત કરાઈ હતી જેમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આ આંતરિયાળ ગામોમાં સર્વે કરીને તેમાં યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટર સ્તુતિ ચારણે “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વધુ ને વધુ વિસ્તારોને સઘન સફાઈ હેઠળ આવરી લેવા તમામ વિભાગોને સૂચના આપી હતી. તથા “મેરી મિટ્ટી, મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત યોજાનારી કળશ યાત્રાની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ નજીકના સમયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાઓ અંતર્ગત વધુ ને વધુ લાભાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરાવવા વિવિધ વિભાગોના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી.શેખ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.