Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકના પ્રારંભે પ્રાંત અધિકારી બેઠકમાં ઉપસ્થિત સૌ સભ્યોને આવકાર્યા હતા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં પાકા રસ્તા સાથે જોડાયેલ પ્રાથમિક શાળાનાં પ્રશ્નની રજુઆત કરાઈ હતી. જેમાં સંબંધીત સરકારી વિભાગનાં અધિકારીએ જણાવ્યુ હતુ કે કુલ-૧૨૫૦ શાળાઓ પૈકી ૧૧૮૭ શાળાઓ પાકા રસ્તા પર અને ૬૩ શાળાઓ હાલમાં કાચા રસ્તા પર છે જેની યાદી તૈયાર કરાઈ છે અને પાકા રસ્તા માટે કામગીરી કરાશે. ધારાસભ્ય દ્વારા દૂધ સંજીવની યોજના તેમજ તેમાં થઈ રહેલ કામ પ્રત્યે ધ્યાન દોરાયુ હતુ. જેમાં સંબંધીત સરકારી વિભાગનાં અધિકારીએ જણાવ્યુ હતુ કે નસવાડી, જેતપુર, બોડેલીમાં તે યોજના શરૂ છે તે જાણ કરાઈ, જેથી ધારાસભ્ય દ્વારા છોટાઉદેપુર તાલુકા ખાતે આ યોજનાને શરૂ કરવા માટે વિચારણા કરવા જણાવ્યુ હતું. જેમાં કલેક્ટરે આ યોજના વિશે ધ્યાન આપવા સંબંધીત અધિકારીઓને જણાવ્યુ હતું.

આ ઉપરાંત ધારાસભ્યએ પ્રા.આરોગ્ય કેન્દ્ર તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી રહેલ મહેકમ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલ કેન્દ્રીય વિદ્યાલયની પ્રક્રિયા કયા તબક્કા માં છે તે વિશે ધ્યાન દોરાયું હતું.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટર સ્તુતિ ચારણે “વિકસિત ભારત ” અભિયાન અંતર્ગત વધુ ને વધુ વિસ્તારોમાં લોકોને સરકારી યોજના હેઠળ આવરી લેવા તમામ વિભાગોને સૂચના આપી હતી. તથા વિકસિત ભારત યાત્રાની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર સચીનકુમાર, છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી.શેખ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.