Chhota Udepur
આંતરરાષ્ટ્રીય જલ દિવસની ઉજવણીમાં છોટાઉદેપુર જિલ્લાએ કર્યું ગુજરાતનું પ્રતિનિધિત્વ

પ્રતિનિધિ, કાજર બારીયા
તા. ૨૨મી, માર્ચ આંતરરાષ્ટ્રીય જલ દિવસના ઉપલક્ષમાં જલ શક્તિ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય જલ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લાએ રાજયનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય જલ દિવસની ઉજવણી પ્રસંગે જલ શક્તિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દેશભરમાંથી હરિયાણા, ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઉડિસા અને કર્ણાટકના પાંચ જીલ્લાઓની પસંદગી કરવામાં આવી હતી. આ પાંચ જિલ્લાઓમાં થયેલી જલ સંરક્ષણની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાંથી છોટાઉદેપુર જિલ્લાને આંતરરાષ્ટ્રીય જલ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ગાંઠિયા ગામે બનાવવામાં આવેલા અમૃત સરોવર અંગે વિગતે જાણકારી આપી હતી. વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમમાં જોડાએલ સૌએ પાણી બચાવવા અંગેનો સંકલ્પ પણ લીધો હતો. ભારત સરકારના રાજય કક્ષાના જલ શક્તિ અને આદિવાસી બાબતોના મંત્રી બિશ્વેશ્વર ટુડુ અને રાજયમંત્રી પ્રહલાદ સિંગ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન બંને મહાનુભાવોએ જલ સંરક્ષણ અંગે મનનીય પ્રવચન કર્યું હતું.