Chhota Udepur
છોટાઉદેપુરના રોજકુવા ગામે વીજ વાયર પડતા યુવકનું મોત, MGVCLની બેદરકારી આવી સામે
છોટા ઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના એક ૩૨ વર્ષીય યુવક ગરમીથી બચવા ગાજરના વાડામાં ખાટલો નાખીને સૂતો હતો. ત્યારે અચાનક જીવતો વીજ વાયર યુવક પર પડતાં કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેનાથી બચવા લોકો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. તો કેટલાક લોકો ગરમીથી રાહત મેળવવા ઘરની બહાર સૂઈ જાય છે, પરંતુ ઘરની બહાર સૂવું પણ હવે તો જોખમી બન્યું છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુરના રોજકુવા ગામેથી સામે આવ્યો છે.
રોજકુવા ગામના ઢેબર ફળીયામાં રહેતા બલસિંગભાઈ સેંગલાભાઇ રાઠવાના મોટા દીકરા નિલેશભાઈ રાઠવા (ઉંમર વર્ષ, ૩૨) ખૂબ ગરમીથી રાહત મેળવવા ઘરના વાડામાં ખાટલો નાખીને સૂઈ ગયા હતા. ત્યારે મળસ્કે સાડા પાંચ વાગ્યાના અરસામાં ઘરની ઉપરથી પસાર થતી વીજ લાઈનનો જીવતો વીજ વાયર તૂટીને નિલેશભાઈની છાતી તેમજ હાથના ભાગે પડ્યો હતો. જેને લઇને તેમને કરંટ લાગયો હતો.
કરંટ લાગતા તેમની પત્ની સરોજબેને દોડીને ઘરની આગળના ભાગે બેસેલા યુવક નીલેશના પિતા બલસિંગભાઇને ઘટનાની જાણ કરી હતી. કરંટ લાગ્યો હોવાની જાણ થતાં બૂમાબૂમ થઈ ગઈ હતી અને ગામના એક આગેવાને ૧૦૮ ને ફોન કરીને વીજ કંપનીને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો. ૧૦૮ આવી જતા યુવક નીલેશને તેજગઢ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. રોજકુવા ગામે મળસ્કે વીજ કંપનીની બેદરકારીના કારણે જીવતો વીજ વાયર તૂટી પડતાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.