Gujarat
હિટવેવથી બચવા શહેર જિલ્લાના નાગરિકો આટલું કરે

- બને એટલું વધારે પાણી પીવું, તાજા ફળોનું સેવન કરવું
- સાદા સુતરાઉ કપડાં પહેરવાઃ સીધો સુર્ય પ્રકાશ હોય ત્યારે બહાર જવાનું ટાળો
આરોગ્ય તંત્ર દ્વારા હિટવેવ સામે રક્ષણ મેળવવા વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે
ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરોથી બચવા (લુ લાગવાથી) માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં સહિત વડોદરા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે. વડોદરા શહેર જિલ્લાના નાગરિકોને હિટવેવના સમયે કેટલીક બાબતોનું પાલન કરી ગરમીથી બચવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા શહેર જિલ્લાના નાગરિકોને હિટવેવ સામે રક્ષણ મેળવવા વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે.વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને પોસ્ટર, પેમ્લેટનું વિતરણ કરવા સહિત પબ્લિક એનાઉન્સમેન્ટ કરી વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે.
શું કરવું
સવારે ૧૧ થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી ઘરમાં અથવા છાંયડામાં રહેવું. બને એટલું વધારે પાણી પીવું, તાજા ફળોનું સેવન કરવું, સાદા સુતરાઉ કપડાં પહેરવા, સીધા સૂર્ય પ્રકાશમાં બહાર જવાનું ટાળો, છાંયામાં રહો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે પીવાના પાણી વ્યવસ્થા કરો તેમજ બે-ત્રણ દિવસે પક્ષીકુંજ સાફ કરો, જો કોઈને હીટસ્ટ્રોક થાય તો સૌપ્રથમ આઇસપેક અથવા ઠંડાપાણીથી શરીરનું તાપમાન સામાન્ય કરી તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ, ઘરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ (મીઠું અને ખાંડવાળું પાણી) રાખો, વધુ પાણીનું સેવન કરો.
શું ના કરવું
બપોરે ગરમીના સમયે બહાર જવાનું ટાળવું, બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ ખાવાનું ટાળવું, કન્સ્ટ્રક્શન સાઇટ કે કામ પર જવાનું ટાળવું, આલ્કોહોલ, ચા-કોફી અને વધારે ખાંડ વાળા અને ઠંડા પાણીને ટાળો, નાના બાળકો, સગર્ભા અને વૃદ્ધોએ તડકામાં બહાર ન જવું, ઉઘાડા પગે ન ચાલવું.
લુ લાગવાના (હીટસ્ટ્રોક) લક્ષણો : જો કોઈ વ્યક્તિને લુ લાગી હોય તો તેના કેટલાક લક્ષણો છે જેનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. ગરમ, લાલાશ અને શુષ્ક ત્વચા, માથાનો દુ:ખાવો, શ્વાસોશ્વાસ અને હ્દયના ધબકારા વધી જવા, શરીરનું તાપમાન ૪૦.૫ સેલ્સિયસ અથવા ૧૦૫ ડિગ્રી ફેરનહીટ થઈ જવું ઉબકા અને ઉલટી થવી, સ્નાયુની નબળાઈ અથવા ખેંચતાણ થવી વગેરે લુ લાગવાના લક્ષણો છે.
લુ લાગવાના લક્ષણો જણાય તો શું કરવું
લુ લાગવાની સ્થિતિમાં સ્નાન લો, ઠંડી જગ્યાએ જવું. આરામ કરો, વધુ પાણી પીવું. ડોક્ટરની મુલાકાત લો અથવા કોલ કરી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવો. માથાનો દુ:ખાવો બેચેની, ચક્કર, ઊબકા કે તાવ આવે તો તરત જ નજીકના દવાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની સલાહ સારવાર લેવી. લક્ષણો વધારે ગંભીર થાય તો સ્નાયુનું ખેંચાણ એક કલાકથી વધુ ચાલે છે. બેભાન થવાની સ્થિતિ સર્જાય છે. ગરમીની સ્થિતિમાં સાવચેત રહેવા અને તકેદારીના પગલા લેવા માટે મુખ્ય જિલ્લા અધિકારીએ અનુરોધ કર્યો છે.