Gujarat
પંચમહાલ ના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

અયોધ્યા ખાતે ભગવાનશ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે.
જે અંતર્ગત આજરોજ પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” સુત્રને સાર્થક કરતા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે સ્વચ્છતાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં તમામ લોકોએ હાથમાં ઝાડુ લઈને યાત્રાધામ પાવાગઢને સ્વચ્છ બનાવવા સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.પાવાગઢ સ્થિત દુધિયા તળાવ ખાતે આજરોજ સવારે ૧૦ વાગ્યે સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે,જિલ્લામાં ધાર્મિક સ્થળોના સ્વચ્છતા અભિયાન અંતર્ગત આગામી તા.૨૨ જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ હાથ ધરવામાં આવશે.
આજના કાર્યક્રમમાં હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કવિતાબેન,મામલતદાર બી.એમ.જોશી,કાર્યપાલક ઇજનેર પી.આર.ચૌધરી, મિતાબેન મેવાડા,હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઇ રાઠોડ,તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા,જિલ્લા અગ્રણી અરવિંદસિંહ પરમાર,પ્રવીણભાઈ પરમાર,રમેશભાઈ પરમાર સહિત વિવિધ કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.