Gujarat
આણંદ જિલ્લામાં અરજદારોને ધરમધકકા ખવડાવનાર ‘સરકારી બાબુ’ ઓને સુધરી જવાની કલેકટરની તાકિદ
સરકારી કચેરીઓમાં લાભદાયી કે ભલામણકારી કામોને પ્રાધાન્ય અપાતું હોવાની રજૂઆતોના પગલે હવે કલેકટર કચેરીઓની આકસ્મિક મુલાકાત લેશે આણંદ જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને મળેલ જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠકમાં લોકપ્રશ્નો, પેન્શન કેસો, સરકારી લેણાં વસૂલાત સહિતની બાબતોએ વિભાગીય અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત સાંસદ, ધારાસભ્યોના વિવિધ પ્રશ્નો અને સૂચનો અંગે પણ જે-તે વિભાગ સાથે વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લાની સરકારી કચેરીઓમાં કેટલાક કર્મચારી, અધિકારીઓની અનિયમિતતા, કામચોરી બાબતે મળેલ રજૂઆતોના પગલે કલેકટરે સંકલનના તમામ અધિકારીઓને તાબા હેઠળની કચેરીઓની અવારનવાર તપાસણી કરતા રહેવાનું ખાસ સૂચન કર્યુ હતું. વધુમાં મન ફાવે ત્યારે કચેરીમાં આવનાર, લાભકારી કે ભલામણકારી કામોને અગ્રતા આપનાર અને સામાન્ય અરજદારોને ધરમધકકા ખવડાવનાર કર્મચારીઓની બાબુશાહી સામે કલેકટરે લાલ આંખ કરી હતી.
જેમાં આગામી અઠવાડિયાથી કલેકટર સ્વયં જિલ્લાની કોઇપણ કચેરીની આકસ્મિક મુલાકાત લઇને તમામ કામગીરીનું નિરીક્ષણ કરનાર હોવાનું જણાવ્યું હતું. સાથોસાથ કચેરીમાં અનિયમિત આવતા કર્મચારીઓ સામે ગંભીરતાથી શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ સંબંધિત અધિકારીઓને ટકોર કરી હોવાનું જાણવા મળેલ છે.
બ્યુરો હેડ બસર ચિશ્તી આણંદ..