Gujarat

વંચિતોના વિકાસ માટેની કટિબધ્ધતા.. છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસની મક્કમ કાર્યશૈલી

Published

on

રાજ્ય સરકાર ગુજરાતના ખૂણેખૂણાના, સમાજના પ્રત્યેક વર્ગના સમગ્રતયા વિકાસ માટે પ્રતિબધ્ધ છે. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, તથા અલ્પ સંખ્યક વર્ગના લોકોના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખી તેમના આર્થિક કલ્યાણ અને પ્રગતિ માટે રાજ્ય સરકાર સતત કટિબધ્ધ બની અનેક જનહિતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી તેનો પારદર્શક, અસરકારક અને ત્વરીત લાભ વંચિતોને આપ્યો છે. ‘વંચિતોનો વિકાસ’ એવા મહામંત્રને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કંડારેલા વંચિતોના વિકાસના માર્ગને રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વધુ પ્રશસ્ત કર્યો છે. વંચિતોના વિકાસનું સર્વસ્પર્શી, સર્વગ્રાહી, સર્વસમાવેશક આયોજન કરી વિવિધ કલ્યાણકારી, વિકાસલક્ષી યોજનાઓનો અસરકારક અમલ શરૂ કરવામાં આવ્યો છે.


રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ માટે જે ઐતિહાસિક વિશાળ કદનુ બજેટ રજૂ કર્યું છે, તેમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા યોજના (SCSP) સહિત કુલ રૂા. ૧૦ હજાર ૫૫૮ કરોડ ૭૨ લાખની જોગવાઇ કરી છે. જે ગત વર્ષ કરતાં રૂા. ૧ હજાર ૯૩૪ કરોડ ૭૫ લાખ (૨૨.૪૩%)નો વધારો કરાયો છે. રાજ્ય સરકારે અનુસૂચિત જાતિઓનાં સર્વાંગી વિકાસની સાથેસાથ સામાજિક સુરક્ષાની દિશામાં પણ અનેકવિધ નક્કર પગલાં લઈ પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરી છે. પરિણામે ગુજરાતનો અનુસૂચિત જાતિનો સમૂદાય સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે મક્કમતાપૂર્વક નવી ઉર્જા સાથે ગૌરવપૂર્વક જીવન જીવવા તરફ અગ્રેસર બન્યો છે.
જેના મુખ્ય મુદ્દાઓ ઉપર નજર નાખીએ તો રાજ્ય સરકારે શ્રમિકોના માસિક વેતનમાં 25 ટકા જેટલો વધારો કર્યો. કુશળ શ્રમિકને હવે મળશે માસિક વેતન રૂ.12,324 જેથી તેઓ આર્થિક રીતે સક્ષમ બનશે.શ્રમયોગીઓનાકલ્યાણ માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરવામાં આવી. આ યોજનામાં કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કલ્યાણ કારી યોજનાઓનો લાભ સરળતાથી પ્રાપ્ત થાય તે માટે 11 લાખથી વધુ શ્રમિકોને ઇ-શ્રમ હેઠળ રજિસ્ટર કરવામાં આવ્યા. રેશનની દુકાનમાંથી ‘શ્રી અન્ન’ ને પ્રોત્સાહન આપવા બાજરી અને જુવારનું વિતરણ શરૂ. આ ધાન સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર નથી, પરંતુ તેમાં ઘણાં ઔષધીય ગુણો પણ છે.
ફેરીયાઓ પગભર થઈ શકે તેવા આશયથી 30,000થી વધુ ફેરિયાઓને પી.એમ. સ્વનિધિ હેઠળ લોન આપવામાં આવી. 71 લાખ કુટુંબોને દર માસે પ્રતિ કુટુંબ 1 કિ.ગ્રા ચણાનું રાહતદરે વિતરણ તથા ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ. જેથી વંચિત વર્ગને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય છે. જરૂરિયાતમંદ લોકોને આવાસ પૂરા પાડવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં મળીને કુલ 32,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું.અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ભણીને પગભર થાય તે માટે અનુ. જાતિના 16,865 વિદ્યાર્થીઓને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઇપેન્ડ સહાય આપવામાં આવી.આ ઉપરાંત અનુસૂચિત જાતિના લોકોને પોતાનું સપનાનું ઘર મળે તેવા આશય સાથે 10,961 થી વધુ આંબેડકર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું. સામાજિક સુરક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરીયાતમંદ પરિવારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે હવે કુંટુબ ઓળખપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અન્વયે અનુસૂચિત જાતિના 1,836 લાભાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી.7,683 લાભાર્થીઓને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આર્થિક સહાય તથા ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં રૂ. 1 લાખની સહાયમાં રૂ. 1.50 લાખનો વધારો કરી હવેથી રૂ. 2.50 લાખ સહાય આપવામાં આવશે. જાન્યુઆરી- 2023 સુધીમાં 672 યુગલોને રૂ. 14.08 કરોડની સહાય ચૂકવાઈ છે.આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા અનુસૂચિત જાતિના 1,308 યુગલોને આંતરજ્ઞાતિય લગ્ન સહાય આપવામાં આવી.રાજ્યના અનુસૂચિત જાતિના 464 લાભાર્થીઓની રૂ. 10.15 કરોડના યોજનાકીય નાણાકિય લાભો માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો મારફત પસંદગી કરાઇ છે.

ગુજરાતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. શિક્ષણ ક્ષેત્રે 659 અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ આપવામાં આવ્યો. જ્યારેધોરણ 1 થી 10માં અભ્યાસ કરતાં 1,39,083 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવામાં આવી. પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ અનુસૂચિત જાતિના 3,59,401 વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી.33,803 વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અન્વયે સાયકલ આપવામાં આવી છે. વિશિષ્ટ પ્રતિભા ધરાવતાં દિવ્યાંગજનો માટે દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના અન્વયે કુલ 471 લાભાર્થીઓને કોમ્પ્યુટર ડ્રો દ્વારા સહાય પૂરી પાડવામાં આવી તથા 3,488 દિવ્યાંગોને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવ્યો.66,284 શ્રમિકોની નોંધણી ઈ-નિર્માણ પોર્ટલ પર કરીને તેમને સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે.રાજ્યમાં વધુ નવા 29 કડિયાનાકા પર શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરાયા જ્યાં કાર્યસ્થળે ફક્ત રૂ.5માં સાત્વિક ભોજન આપવામાં આવે છે. 3,90,000થી વધુ બાંધકામ શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ લઈ રહયાં છે.

Advertisement

Trending

Exit mobile version