Surat
સચિન જીઆઇડીસીમાં રોબિન ડાયકેમ ગટરમાં જ પ્રદૂષિત પાણી છોડતી હોવાની ફરિયાદ
સચિન જીઆઇડીસીમાં આવેલી રોબિન ડાયકેમ કંપની ગેરકાયદે પાઇપ લાઇન નાંખીને કેમિકલવાળુ જોખમી પાણી સીધુ ગટરમાં છોડી રહી હોવાની ગંભીર ફરિયાદ જીપીસીબીને કરવામાં આવી છે.સચિન જીઆઇડીસીમાં છેલ્લા કેટલાક સમયથી પાંડેસરા અને સચિન વિસ્તારમાં આવેલા એકમો ટેન્કર દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સચિન જીઆઈડીસીમાં છોડી રહ્યાં હોવાની વાતો ફરી વહેતી થઈ છે.દોઢ વર્ષ પહેલાં આ રીતે ઝેરી કેમિકલનો નિકાલ કરતા ટેન્કરમાંથી લિકેજ થતાં નજીકની કંપનીમાં છ મજૂરોના કરૂણ મોત નીપજ્યા હતાં. હજી પણ આ દૂષણ અટક્યુ નહીં હોવાનો ઇશારો આ વાતો ઉપરથી મળી રહ્યો છે.હાલમાં જ ગત સપ્તાહે સુરત જીપીસીબીની રિજયોનલ કચેરી દ્વારા પ્રદુષણ ફેલાવતા ત્રણ એકમોને સીલ મારવામાં આવ્યા છે.
તો ત્રણ એકમોને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે. ત્યારે સચિન જીઆઇડીસીમાં રોડ નં બે ઉપર આવેલી રોબિન ડાયસ એન્ડ ઇન્ટરમિડીએટ્સ પ્રા. લિ. કંપનીના સંચાલકો પ્રદૂષિત પાણી ગટરમાં ખુલ્લેઆમ છોડતા હોવાની ફરિયાદ કરી છે. આ કંપની દ્વારા કંપનીથી ગટર સુધીની પાઇપ લાઇન નાખવામાં આવી છે. આ પાઇપ લાઇન મારફતે રાત્રિના સમયે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. જીપીસીબીના રિજનલ ઓફિસનું કહેવું હતું કે, આ અંગે એક ફરિયાદ મળી છે. અમે તાત્કાલિક આ દિશામાં તત્થ્યો ચકાસવા માટેના નિર્દેશ આપી દીધા છે. આવી જ રીતે અગાઉ પણ એક ફરિયાદ કરવામાં આવી હતી, તેના આધારે ગ્લોબલ એન્વાયરો કેર દ્વારા કંપનીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ફરિયાદને પણ જીપીસીબીએ ગંભીરતાથી લઇને તપાસ શરૂ કરી છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત