Uncategorized
કિશોરાવસ્થામાં નશીલા પદાર્થોના દુરૂપયોગની સભાનતા વિષય અંગે સંશોધન હાથ ધરાયું
કિશોરોમાં નશીલા પદાર્થોના દુરૂપયોગથી બચવા માટે વિવિધ ભલામણો કરવામાં આવી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા ખાતે ‘ગુજરાતની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોના દુરૂપયોગની સભાનતા’ વિષય પર જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના નિયામક, શ્રી પ્રકાશ ત્રિવેદી, વસતિ શિક્ષણ એકમના નાયબ નિયામક, ડૉ. અમૃત કે. મોઢપટેલ, વસતિ શિક્ષણ એકમના પ્રોગ્રામ ઓફિસર, ડૉ. યોગિતા દેશમુખ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના પ્રાચાર્યશ્રી દીપકકુમાર બી. બાવીસ્કરના પ્રેરણા અને પ્રોત્સાહનથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના વ્યાખ્યાતા ડૉ. વિશ્વજીત યાદવ દ્વારા ડૉ. સુભાષ મકવાણાના માર્ગદર્શન હેઠળ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શિક્ષકો અને વિદ્યાર્થીઓના નશીલા પદાર્થોના દુરૂપયોગની સભાનતા ચકાસણી કરીને આ કિશોરોમાં નશીલા પદાર્થોના દુરૂપયોગથી બચવા માટે વિવિધ ભલામણો કરવામાં આવી છે.
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય- એ જીવનનાં મહત્વપૂર્ણ પાસાં છે, જેને ધ્યાનમાં રાખતાં વ્યક્તિઓઓ ખાન-પાન અને ઉઠવા-બેસવાની આદતો સાથે અન્ય બાબતોનું ધ્યાન રાખતાં બિમારીથી દૂર રહી જીવન જીવી શકે. સ્વસ્થ જીવન સાથે સુખાકારીને પ્રાધાન્ય આપતાં વ્યક્તિઓએ ખોટી આદતો અને વ્યસનોથી દૂર રહેવું જોઈએ. યુવાવસ્થા તરફ આગળ વધતા એવા કિશોરો નશીલા પદાર્થોથી સભાન થઇ પોતાનું સ્વાસ્થ્ય જાળવી સુખાકરીપૂર્ણ જીવન જીવે, એ ધ્યાનમાં રાખવું અનિવાર્ય રહે છે. સમાજના વ્યક્તિઓમાં વ્યસનમુક્તિ અને નશીલા દ્રવ્યોના દુરુપયોગના સંદર્ભમાં જાગૃતિ ફેલાવી પગલાં ભરવા માટે ભારત સરકારે પણ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ‘નશામુક્ત ભારત અભિયાન’ અમલીકરણ કર્યું છે. જે અંતર્ગત દેશના ૩૭૨ જિલ્લાઓમાં ગુજરાતના ૧૩ જિલ્લાઓનો પણ સમાવેશ કરાયો છે. જેમાં રાજકોટ, સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, મહેસાણા, પોરબંદર, જામનગર, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર, અમરેલી અને જૂનાગઢનો સમાવેશ થાય છે.
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ, ન્યુ દીલ્હી અંતર્ગત પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોજેક્ટના અનુદાનથી અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર, ગુજરાતના પોપ્યુલેશન એજ્યુકેશન સેલના નેજા હેઠળ તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન,વડોદરા આણંદની એન. એચ. પટેલ કૉલેજ ઓફ એજ્યુકેશનના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત સમાવિષ્ટ જિલ્લાઓમાં ગુજરાતની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં કિશોરોમાં નશીલા પદાર્થોના દુરૂપયોગની સભાનતાનો અભ્યાસ વિષય પર સંશોધન હાથ ધરાયું હતું.
શાળા સિવાય એનજીઓ, પબ્લિક હેલ્થ સેન્ટર, મહિલા પોલીસ વિભાગ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બ્રહ્માકુમારીઝ, અનમોલ જીવન ફાઉન્ડેશન અને અન્ય એજન્સીઓ દ્વારા નશીલા પદાર્થોના દુરુપયોગ વિશે સભાનતા કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં નાશામુકત ભારત અભિયાન, ચિત્ર સ્પર્ધા, વ્યાખ્યાન, સભા, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ, શેરી નાટકો વગેરેનો સમાવેશ થયો હતો.
નશીલા પદાર્થોના દુરુપયોગના ગેરફાયદા અને આડઅસરો વિશે ભાવનાત્મક અને પ્રેરક વાતાવરણમાં સમજૂતી- એ સભાનતા ફેલાવવાની સાચી રીતો છે, અને નશીલા પદાર્થોના દુરુપયોગને નિરુત્સાહ કરવા માટે નિવારક પગલાં છે. શાળાઓ પ્રાર્થનાસભા, વિદ્યાર્થીઓ સાથે સંવાદ, વર્ગખંડોમાં ઉદાહરણો, વિદ્યાર્થીઓ સાથે માસિક મીટીંગ, વાલી મીટીંગ, રમતગમતની પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવાં આયોજનોમાં નશીલા પદાર્થોના દુરુપયોગની સભાનતા કેળવી શકે છે. આ સભાનતા માટે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નશાના વ્યસનપીડિત વ્યક્તિ-પરિવારની મુલાકાત, નાટક, વાર્તાઓ, ટૂંકી ફિલ્મ, ચર્ચા, સેમિનાર, ફિલ્મો, વાસ્તવિક વાર્તાઓ, સારા પુસ્તકોનું વાચન અને ડ્રગ-વ્યસનની આડઅસરોનાં ચિત્રો જેવાં આયોજનો જરૂરી છે.