Vadodara
ડેસર હાઈસ્કૂલમાં SSC & HSC વિદ્યાર્થીઓનો ‘શુભેચ્છા સમારંભ’ યોજાઈ ગયો…
શ્રી એમ. કે. શાહ હાઇસ્કૂલ, ડેસરમાં આજે ડેસર કેળવણી મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, શાળાના આચાર્ય શૈલેશ એમ. માછી, શિક્ષકગણ તેમજ શાળાના SSC & HSC બોર્ડના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં SSC & HSC બોર્ડ પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ માટે ‘શુભેચ્છા સમારંભ’/’વિદાય સમારંભ’ યોજાવામાં આવ્યો હતો. ઉજવણીના ભાગ રૂપે સૌપ્રથમ ધોરણ-10 અ ના વર્ગશિક્ષક પરેશભાઈએ નાની વાર્તા દ્વારા શિક્ષણ અને પરીક્ષાનું મહત્વ સમજાવ્યું હતું. ધોરણ-10 બ ના વર્ગશિક્ષકશ્રી લક્ષ્મણભાઈએ પરીક્ષામાં જવાબવહીમાં ઉત્તરો લખતી વખતે રાખવાની સાવધાની સમજાવી હતી. ત્યારબાદ ધોરણ-10 ક ના વર્ગશિક્ષિકા હેતલબહેને પણ પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યારબાદ ધોરણ- 10 ડ ના વર્ગશિક્ષક દેવેન્દ્રસિંહ રાઠોડે શિક્ષણની પરીક્ષા અને જીવનની પરીક્ષા વિષે રોચક વાત કરી હતી. શિક્ષણ અને સામાજિકીકરણ વિશે વાત કરીને પરીક્ષાની શુભકામનાઓ ધો.12 અ ના વર્ગશિક્ષક કૃણાલભાઈ પટેલે સરસ કરી હતી. જ્યારે ધો. 12 બ ના વર્ગશિક્ષક જયેશભાઈએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે શાળાના શિક્ષક મહેશભાઈએ પણ તેમની આગવી શૈલીમાં શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે, શાળાના આચાર્ય શૈલેશભાઈ માછી એ બોર્ડના પરીક્ષાર્થીઓને પરીક્ષાલક્ષી સૂચનાઓ આપી હતી.
સાથે જ ઉજ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આમ, શાળાના SSC અને HSC માર્ચ -2023 બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ‘શુભેચ્છા સમારંભ’/’વિદાય સમારંભ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક જયેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું. સ્મૃતિરૂપે વર્ગ પ્રમાણે ગૃપ ફોટોગ્રાફ પણ પાડવામાં આવ્યાં હતાં. અંતે સૌ અલ્પાહાર કરીને છૂટા પડ્યાં હતાં.