Chhota Udepur
ભારજ નદીના પુલના ડાયવર્ઝનની માગ સાથે કોંગ્રેસનુ રસ્તા રોકો આંદોલન
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ)
પાવીજેતપુરમાં વન કુટીર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારજ નદીના પુલના ડાયવર્ઝનની માગ સાથે રસ્તા રોકો આંદોલન કરાયું હતું. જ્યાં જિલ્લા પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી લેતા આંદોલન સમેટાઈ ગયું હતું. છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે ૫૬ ઉપર શિહોદ પાસે આવેલી ભારજ નદી પરના પુલનો એક પિલર બેસી જવાની ઘટનાને એક મહિનો થઈ ગયો છે. છતાં વહીવટીતંત્ર દ્વારા પુલની નજીકમાં કોઈ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું નથી.
તંત્ર દ્વારા પાવી જેતપુરથી રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડી અને ત્યાંથી બોડેલી જવાનો વૈકલ્પિક કિલોમીટર લાંબો ફેરાવો ફરવા માટેનું જાહેરનામું બહાર પડી દીધું છે. આ વૈકલ્પિક રસ્તા ઉપર પ્રજાને સમય તેમજ આર્થિક વ્યય ખૂબ જ વધી જાય છે. ઉપરાંત ભારજ નદી કાંઠાના ૨૦ થી વધુ ગામોની જનતાને પાવી જેતપુરમાં રોજિંદો વ્યવહાર છે. જે હાલ અટકી ગયો છે. જેને લઇને જિલ્લાના આગેવાનો દ્વારા ભારજ નદીના પુલની નજીકમાં જ ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી માગ સાથે આજરોજ કોંગ્રેસના સુખરામ રાઠવા, જગાભાઈ રાઠવા સહિત આગેવાન કાર્યકરો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસી કાર્યકરો દ્વારા રસ્તા રોકો શરૂ કરતા જ જિલ્લાની પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી અને આંદોલન સમેટાઈ ગયું હતું.