Panchmahal
પંચમહાલ કલેક્ટર ના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક
પંચમહાલ જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી યોજાનારી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેક્ટર સંબોધન કરતાં જણાવ્યું હતું કે,પંચમહાલમાં આગામી ૨૨ નવેમ્બરથી ૨૬ જાન્યુઆરી,૨૦૨૪ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ જિલ્લાને બે રથ ફાળવવામાં આવ્યા છે. આ રથ જિલ્લાના તમામ ગામોમાં ભ્રમણ કરી વિવિધ યોજનાઓથી લોકોને લાભાન્વિત કરશે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર પણ કરવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે તમામ તૈયારીઓ હાથ ધરવા તેમજ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ મળી રહે તે રીતનું સુદ્રઢ આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે તેમ જણાવી આ બાબતે ચર્ચા કરી હતી. આ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મળી રહે તે માટે સત્વરે કામગીરી કરવા તેમજ પાત્રતા ધરાવતા એકપણ લાભાર્થી લાભથી વંચિત ન રહે તે પ્રકારનું આયોજન કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનનો વિડીયો સંદેશ, વિકસીત ભારતના સંકલ્પ લેવડાવવા સાથે શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારો દ્વારા “ધરતી કહે પુકાર કે”, સ્વચ્છતા સહિતનાં વિષયો પર ગીતની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા,કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, મયંકભાઇ દેસાઈ સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓ,પદાધિકારીઓ,હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાશે
યાત્રા થકી છેવાડાનાં લોકો સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવાનું તંત્રનું વિશેષ આયોજનઃ જિલ્લાના તમામ ગામોમાં રથ ભ્રમણ કરશે