Vadodara
MS યુનિવર્સિટીમાં ફરી વિવાદ! વિજિલન્સની ટીમ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ, એકબીજાને ધક્કે ચડાવ્યાં
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. ગુરુવારે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનમાં વિદ્યાર્થીઓ અને વિજિલન્સની ટીમ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ ઘર્ષણ દરમિયાન બંને જૂથના સભ્યો એકબીજાને ધક્કો મારી નીચે પાડી દેતા નજરે ચડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી છાશવારે કોઈ ન કોઈ વિવાદને કારણે ચર્ચામાં હોય છે. આર્ટ્સ ફેકલ્ટી પરીક્ષાની બેઠક વ્યવસ્થા હોય કે પછી પરિણામનો મુદ્દો હોય દરેક બાબતે યુનિવર્સિટીમાં વિવાદ જોવા મળે છે. ત્યારે ગુરુવારે ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનમાં વિદ્યાર્થીઓ અને વિજિલન્સની ટીમ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની માગણીઓની રજૂઆત કરવા માટે સંબંધિ વિભાગ ખાતે પહોંચ્યા હતા.
દરેક વિષયના એક-એક શિક્ષક ફાળવવાની માગ
વિદ્યાર્થીઓનું કહેવું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનમાં 6 વિષય છે, જેની વચ્ચે માત્ર એક શિક્ષક છે આથી નવી ફેકલ્ટીની ભરતી કરવા અને દરેક વિષયના એક-એક શિક્ષક ફાળવવાની માગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે કેટલાક વિદ્યાર્થીઓને ખોટી રીતે નાપાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આથી વિરોધ દાખવવા માટે વિદ્યાર્થીઓ આજે ડિપાર્ટમેન્ટ ઓફ જર્મન ખાતે પહોંચ્યા હતા જ્યાં તાળાબંધી કરી અન્ય પ્રોફેસરોને અંદર જતાં અટકાવ્યા હતા. દરમિયાન યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ ત્યાં આવી હતી અને વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા. તે વખતે વિદ્યાર્થીઓ અને વિજિલન્સની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું.