Surat
સુરત નાંવેસુ વિસ્તારમાં રસ્તાના ખોદી ડામરને બદલે માત્ર કપચીથી પુરાણ કરતાં વિવાદ

સુનિલ ગાંજાવાલા
સુરત પાલિકાએ હાલ પ્રિ-મોન્સુન કામગીરીનો ધમધમાટ શરૂ તો કર્યો છે પણ હજી શહેરમાં ખોદાયેલી ટ્રેન્ચ અને તેના પુરાણમાં કેવો દાટ વળાય છે, તેનો એક તાદ્દશ નમૂનો વેસુ વિસ્તારમાં સામે આવ્યો છે. જૂનના બીજા અઠવાડિયામાં વરસાદ આવતો હોવાથી જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં પ્રિ-મોન્સુન કામગીરી પુરી કરી દેવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તમામ ઝોનના વડા અને સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી છે.જો કે, સુચનાઓ જમીન ઉપર કેવી અમલી થાય છે, તે વેસુ વિસ્તારમાં જોવા મળ્યું છે. હાલમાં જ વેસુ પોલીસ સ્ટેશન સામે આવેલા મેઈન રોડ ઉપર ટ્રેન્ચ ખોદવામાં આવી હતી.
ત્યારબાદ માત્ર કપચી વડે ટ્રેન્ચનું પુરાણ કરવામાં આવ્યું છે. કપચીઓ રસ્તા પર બહાર નીકળી આવતાં અકસ્માતની શક્યતા વધી છે.આ રસ્તા પરથી વાહનો પસાર થતાં કપચી હવે રસ્તા પર ફેલાઈ રહી છે. આ સ્થિતિમાં ગમે ત્યારે બાઈક કે મોપેડ સવાર સ્લીપ થઈ જાય તેવું જોખમ ઉભું થયું છે, દિવસ દરમિયાન નાના મોટા અકસ્માત તો બનતા જ રહે છે પરંતુ કદાચ કોઈ મોટા અકસ્માત પછી સરખી કામગીરી થાય તેવું આસપાસના લોકો માની રહ્યાં છે.