Gujarat
સરકારી શાળાના વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે વિદેશી મૂળની પિકલબોલ રમત
૧૨ વિદ્યાર્થીઓની વધુ તાલીમ માટે પસંદગી
વડોદરાની સોનારકુઈ શાળાની લક્ષ્મી ગોહિલ ખૂબ જ ઉત્સાહથી પિકલબોલની રમત રમી દરેક પ્રેક્ટિસ સેશન પછી રમતમાં ઉત્સાહ દાખવી રહી છે. આ રમતની પ્રશંસા કરતાં તે કહે છે કે આ રમતમાં હું કારકિર્દી બનાવવાનું પણ વિચારી રહી છું.લક્ષ્મીની જેમ, ચાર સરકારી શાળાઓમાંથી પસંદગીના વિદ્યાર્થીઓ નિયમિતપણે ખાનપુર એકેડેમીમાં રમતના ક્ષેત્રમાં આયોજિત વિશેષ શિબિરમાં આગામી સ્પર્ધા માટે તેમની કૌશલ્ય વધારવા માટે આ રમત શીખી રહ્યા છે.
પિકલબોલ એ એક રેકેટ અથવા પેડલ સ્પોર્ટ છે જે ખેલાડીઓને ૩૪-ઇંચની ઊંચી નેટ પર પેડલ્સ વડે હોલો પ્લાસ્ટિકના બોલ દ્વારા રમી પોઇન્ટ મેળવવાના હોય છે. જ્યાં સુધી ખેલાડી અથવા ટીમ દ્વારા કોઈ પોઇન્ટ ન મળે. આ રમતમાં અલગ નિયમો,પેડલ્સ અને કોર્ટના પરિમાણો છે અને તે ઘરની અંદર અને બહાર બંને રીતે રમી શકાય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં અત્યંત લોકપ્રિય રમત હવે ભારતમાં લોકપ્રિયતા મેળવી રહી છે અને ગુજરાતના રમતગમત-પ્રેમી શહેર વડોદરામાં ધીમે ધીમે તેની પાંખો ફેલાવી રહી છે.
વડોદરાના નેહા શાહ ભારતના પ્રથમ મહિલા પિકલબોલ કોચ છે. જેમણે યુએસએ તરફથી પ્રોફેશનલ પિકલબોલ રજિસ્ટ્રી પ્રમાણપત્ર મેળવ્યું છે. તે હવે વડોદરા શહેરમાં આ રમતને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે. પ્રોજેક્ટ ઉમંગ દ્વારા વડોદરાની ચાર સરકારી શાળાઓના બાળકોને આ રોમાંચક રમતનો પરિચય કરાવી પ્રશિક્ષણ આપી રહ્યા છે.વડોદરાની વતની નેહા શાહે આ રમત શીખવાના પોતાના જુસ્સાને આગળ વધારી યુએસએમાંથી આ પ્રમાણપત્ર મેળવ્યું છે.
નેહા શાહે જણાવ્યું કે વિદ્યાર્થીઓના શિક્ષણમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે છ સરકારી શાળાઓમાં CSR હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.ત્યારબાદ અમે પ્રતિભાઓને ઓળખવા માટે આંતરશાળા રમતગમતની ટુર્નામેન્ટ યોજવાનું નક્કી કર્યું અને આ વર્ષે અમે પિકલબોલને એક નવી રમત તરીકે રજૂ કરી અમ્પાડ, સેવાસી, સિંધરોટ અને સોનારકૂઈ પ્રાથમિક શાળામાં પસંદગી રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. છ દિવસીય શિબિરમાં ૩૮ની વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.આ શિબિરના અંતે ૧૨ જેટલા વિદ્યાર્થીઓને વધુ તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે.
આ રમતની વધતી જતી લોકપ્રિયતાના કારણે ભવિષ્યમાં કોચ, ખેલાડીઓ અને મદદ કરનાર સ્ટાફની જરૂરિયાત ઊભી થશે.આ રમતમાં વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવી શકે તે માટે શ્રેષ્ઠ ખેલાડીઓને મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોની ટુર્નામેન્ટમાં લઈ જવામાં આવશે તેમ નેહા શાહે જણાવ્યું હતું.
નેહા શાહ છેલ્લા એક વર્ષથી આ રમતનું કોચિંગ આપી રહી છે. આ રમતને માત્ર વડોદરામાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લોકપ્રિય બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) હેઠળ વડોદરાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉમંગ પ્રોજેક્ટ દ્વારા સહાયક શૈક્ષણિક ઇકોસિસ્ટમ બનાવીને બાળકોમાં સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરવા માટે તેમની કુશળતામાં વધારો કરવો, અભ્યાસેતર કાર્યક્રમો, રમતગમતને પ્રોત્સાહન, શાળા અને આંતર-શાળાકીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં, ઉમંગ પ્રોજેક્ટ દ્વારા આઠમા ધોરણ પછી ડ્રોપઆઉટ રેટ ઘટાડવા,નિયમિત હાજરીમાં સુધારો કરવા અને એકંદર શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવામાં સફળતા મેળવી છે.