Gujarat
પોલીસ સ્ટેશનમાં કોઈપણ નાગરિકને આવવું જ ના પડે તેવો સાનુકૂળ માહોલ ઉભો કરો: હર્ષ સંઘવી
- પોલીસે વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી સામાન્ય લોકોને વ્યાજના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢ્યા છે
- ડ્રગ્સ સામે મક્કમતાથી લડાઈ લડી હજારો યુવાનોનું જીવન બચાવી શકાયું
- પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના હેઠળ શેરી ફેરિયાઓના ગેરંટર વડાપ્રધાન પોતે બન્યા છે
- વડોદરા શહેરમાં કુંભારવાડા, અકોટા,અટલાદરા અને કપુરાઇ સહિત ચાર નવા પોલીસ સ્ટેશન અને ભાયલી ખાતે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ
- પોલીસ અધિકારીઓ, કર્મીઓ માટે રૂ.૧૦૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૨૨૮ રહેણાંકના આવસોનું લોકાર્પણ
- પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓના ૬૬૭ મકાનનો ડ્રો મંત્રીના હસ્તે સંપન્ન
- પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોન સહાયના ચેકોનું વિતરણ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ લઈને આવતા સામાન્ય નાગરિકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા પોલીસ અધિકારી કર્મીઓને અનુરોધ કર્યો હતો.પોલીસ સ્ટેશનમાં કોઈપણ નાગરિકને આવવું જ ના પડે તેવો સાનુકૂળ માહોલ ઉભો કરવા તેમણે જણાવ્યું હતું.
વડોદરા શહેર પોલીસની કામગીરીને બિરદાવતા તેમણે જણાવ્યું કે, વડોદરા પોલીસે ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કડક હાથે કામગીરી કરી રહી છે જેને પરિણામે સામાન્યજનનો પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલની ઉપસ્થિતિમાં શહેરના પંડિત દીનદયાળ નગરગૃહ ખાતે વડોદરા શહેરમાં કુંભારવાડા, અકોટા,અટલાદરા અને કપુરાઇ ચાર નવા પોલીસ સ્ટેશન સહિત ભાયલી ખાતે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવા સાથે ગુજરાત પોલીસ હાઉસિંગ આવાસ નિગમ દ્વારા પોલીસ અધિકારીઓ, કર્મીઓ માટે રૂ.૧૦૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૨૨૮ રહેણાંકના આવસોનું લોકાર્પણ કર્યું હતું.તેમણે પોલીસ કર્મીઓને એસી હેલ્મેટ તેમજ વડોદરા શહેર પોલીસને ૬૪ અને પંચમહાલ પોલીસને ૩૨ સહિત કુલ ૯૬ મોટર બાઇકનું વિતરણ કર્યું હતું.પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓના ૬૬૭ મકાનનો ડ્રો મંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોન સહાયના ચેકોનું વિતરણ કરવા સાથે મંત્રીના હસ્તે રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ગૃહ મંત્રીએ કહ્યું કે,પોલીસ વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી સામાન્ય લોકોને વ્યાજના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢ્યા છે.એટલું જ નહિ ડ્રગ્સ સામે મક્કમતાથી લડાઈ લડી હજારો યુવાનોનું જીવન બચાવી શકાયું છે.
ગૃહ રાજ્ય મંત્રી એ ઉમેર્યું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીને પરિણામે આજે આઝાદીના વર્ષો બાદ ગરીબોના ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના હેઠળ શેરી ફેરિયાઓના ગેરંટર વડાપ્રધાન પોતે બન્યા છે જેના પરિણામે લાખો નાના વેપારીઓ ફેરિયાઓના જીવનમાં આર્થિક ઉજાસ ફેલાયો છે.
તેમણે વડોદરા જિલ્લાના ૬૫૦૦ જેટલા અતિ કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટેના કૃશ થી કૃષ્ણા પ્રોજેક્ટની સરાહના કરી વડોદરા શહેર જિલ્લાનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સૌએ સાથે મળી આ કામગીરીમાં સહયોગ આપવા જણાવ્યું હતું.
વડોદરા પોલીસને એ.સી.હેલ્મેટ અને મોટર સાઇકલ આપવાના ઉમદા કાર્યમાં સહયોગ આપનાર મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ સહિત દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેર જિલ્લામાં માત્ર એક જ અઠવાડિયામાં એક હજાર કરોડના કામોની ભેટ આપવામાં આવી છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે,વડોદરા શહેર સ્વચ્છતામાં અવ્વલ રહે તે માટે સૌ સંકલ્પબદ્ધ થયા તે જરૂરી છે.
મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે વડોદરા પોલીસને અભિનંદન પાઠવતાં ઉમેર્યું હતું કે, વડોદરા જેમ સીસીટીવી કેમેરામાં સમગ્ર દેશમાં પ્રથમ હતું એમ એસી હેલ્મેટમાં પણ પ્રથમ રહ્યું છે. ૨૪ કલાક લોકોની ચિંતા અને સેવા કરનાર પોલીસની મદદ માટે આધ્યુનિક આવાસો, પુરુષ અધિકારીઓ માટે મોટર સાયકલ તેમજ મહિલા અધિકારીઓ માટે સ્કુટી ઉપરાંત ટ્રાફિક પોલીસ યુવાનો માટે એસી હેલ્મેટ જેવી અતિ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉમદા કાર્યમાં મહત્વનો ફાળો આપનાર દાતાઓને અભિનદન આપ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્ય મંત્રીએ પાંજરાપોળ ગ્રાઉન્ડ દરજીપૂરા ખાતે ૧૦૮ લાંબી તથા ૩.૫ ફૂટ પહોળી અગરબત્તીને અયોધ્યા ખાતે ભગવાન રામને અર્પણ કરવા જઇ રહેલા ૧૧૧ ફૂટ લાંબા રથને રામનગરી જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રારંભમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહ લોતે સૌનો આવકાર કર્યો હતો.
આ પ્રસંગે મેયર પિન્કીબેન સોની, ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ,મનીષાબેન વકીલ,ચૈતન્યભાઈ દેસાઈ, અગ્રણી વિજયભાઈ શાહ, મ્યુનિ.કમિશનર દિલીપ રાણા, કલેકટર એ.બી.ગોર,પોલીસના ઉચ્ચ અધિકારીઓ, મહાનગરપાલિકાના હોદેદારો,નગર સેવકો સહિત મોટી સંખ્યામાં નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.