Ahmedabad
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા રોઝફોર્ડ, ટોલેડો, ઓહાયો – અમેરિકામાં કલ્ચર સેન્ટર અને કોમ્યુનિટી હોલનું થયું લોકાર્પણ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અત્યાર સુધી આઠ ચર્ચોમાં રૂપાંતર કરીને બનેલું કલ્ચર સેન્ટર
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે અમેરિકાના રોઝફોર્ડ, ટોલેડો, ઓહાયો ખાતેના ચર્ચને રૂપાંતર કરીને મંદિરમાં ફેરવી આઠમા કલ્ચર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સદરહુ ચર્ચ સેંટ. જોર્જ ઓર્થોડોક્ષ ચર્ચ જે જુની પુરાણી પદ્ધતિનું હતું.
પવિત્ર પુરુષોત્તમ માસના પ્રારંભે મહાપૂજા, અન્નકૂટ, આરતી, ધર્મધજા આરોહણ, સ્વાગત સામૈયું, પ્રવેશ વિધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના વરદ હસ્તે કરાયું હતું.
રોઝફોર્ડના મેયરે તથા ચર્ચના હેડ ફાધર માયકલે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.
સદરહુ સેન્ટર ચાર એકરથી વધારેની વિશાળ જગ્યામાં સાત મિલિયન ડોલર લાગતથી તૈયાર કરવામાં આવ્યું હતું. જે વૃક્ષવેલીઓથી સુંદર મનોરમ્ય નજારો દ્રષ્યમાન થતો હતો.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું આ મંદિર પાંચ શિખરોથી ધર્મધજા લહેરાતું અને સનાતન ધર્મનો જય જયકાર પોકારતું વિશાળ ભાવનાઓવાળુ પવિત્ર સ્થળ બની રહ્યું છે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના કલ્ચર સેન્ટરોમાં ભારતીય સંસ્કૃતિ મુજબ નૃત્ય, ગુજરાતી, સંસ્કૃત ભાષા, ભરતનૃત્યનું શિક્ષણ આપવામાં આવે છે જેને લીધે ભારતીય સંસ્કૃતિનું જતન થાય ઉપરાંત ભારતીય તહેવારો, દેશી રમતોનું પણ આયોજન કરવામાં આવે છે.
પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, માનવ સમુદાયે જીવનમાં બાંધવા જેવું ભાથું હોય તો તે કથાવાર્તા છે. ભારતીય સંસ્કૃતિ મુજબ સ્નેહ, સંપ, વસુધૈવ કુટુંબકમની ભાવનાનો દીપ જલતો રહે તે માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા દેશ વિદેશમાં સક્રિય રહીને આધ્યાત્મિક કાર્યો તેમજ જ્ઞાનને ચરિત્રાર્થ કરવા મંદિરોનું નિર્માણ કરવામાં આવે છે.
આ પ્રસંગે ઘણી મોટી સંખ્યામાં નોર્થ અમેરિકામાં વસતા હરિભક્તોનો સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.