Panchmahal
જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ માટે તા. 8 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સત્ર 2023-24માં ધો.6માં પ્રવેશ મેળવવા માટે હાલ પંચમહાલ જિલ્લામાં રહેતા હોય અને પંચમહાલ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો.5માં અભ્યાસ કરતા વિધાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. વિદ્યાર્થીએ ધોરણ 3, 4 અને 5માં સળંગ અભ્યાસ કરેલો હોવો જોઇએ.
જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીએ જણાવ્યુ કે,અગાઉ ઓનલાઇન અરજી કરવાની તારીખમાં વધારો કરાયો છે. હવે પછી તા. 8 ફેબ્રુઆરી 2023 સુધી નવોદય વિદ્યાલય સમિતીની વેબસાઇટ www.navodaya.gov.in પરથી કરી શકાશે. પરીક્ષા તા. 29/04/2023ના રોજ લેવામાં આવશે. જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જેમાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ-અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશૂલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને રાષ્ટ્રિય એકતા માટે સ્થળાંતર નીતિ, રમત ગમત તથા SPC, NCC, SCOUT & GUIDE, ART & MUSIC જેવી શૈક્ષણિક પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે સાર્વત્રિક વિકાસની ઉત્તમ તકો રહેલી છે. ફોર્મ ભરવા માટે ઉત્સુક દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને વહેલી તકે ફોર્મ ભરવા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.