Surat
2 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનારાને ફાંસીની સજા
સુનિલ ગાંજાવાલા
શહેરનાં છેવાડે સચિન પાસેના કપ્લેથામાં બે વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારીને મોતને ઘાટ ઉતારનાર આરોપીને બુધવારે સુરતની સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારતો હુકમ કર્યો હતો. પાંચ મહિના પહેલાંના આ પ્રકરણમાં પોલીસે સજ્જડ પુરાવા એકત્ર કરીને ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. પુરાવા, સાક્ષીઓની તપાસના અંતે બુધવારે સેશન્સ કોર્ટે આરોપી યુસુફ ઇસ્માઈલને દોષિત ઠેરવી ફાંસીનો ચુકાદો સંભળાવ્યો હતો.આ ઘટના ગત 27મી ફેબ્રુઆરીના રોજ સચિન પાસેના કપ્લેથા ગામમાં બની હતી. ગામમાં રહેતા યુસુફ ઇસ્માઈલ પોતાના ઘરની પાસે રહેતા પરિવારની બે વર્ષની માસુમ બાળકીને રમાડવાના બહાને લઈ ગયો હતો. મોડી સાંજ સુધી બાળકી પરત ઘરે ન ફરતાં પરિવારજનોએ યુસુફ અને પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. બાળકીની સાથે યુસુફ પણ ગાયબ હતો. પરિવારજનોએ તાત્કાલિક સચિન પોલીસને જાણ કરી હતી.સ્થાનિક પોલીસે પણ ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક અલગ- અલગ ટીમ બનાવીને યુસુફ અને બાળકીની શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળને અંતે ગામમાં જ એક બંધ મકાનના પાછળના ભાગે ઝાડી-ઝાંખરામાંથી માસૂમ બાળકીનો પિંખાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. માસુમ બાળકી પર બળાત્કાર દરમ્યાન તેના પેટના ભાગે બચકાં ભર્યા હતા. ઘટના સ્થળેથી પોલીસને લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા.
માત્ર બે વર્ષની બાળકી સાથે પાશવી બળાત્કાર ગુજારીને તેને મોતને ઘાટ ઉતારનાર યુસુફ ઈસ્માઈલ સામે ભારે રોષ ફેલાયો હતો. સીસીટીવી અને મોબાઈલ નેટવર્કના આધારે યુસુફ ઇસ્માઈલને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.આરોપી સમાજ માટે અભિશાપ ગત 27મી ફેબ્રુઆરી 2023ના દિવસે બનેલી આ ઘટના બાદ પોલીસે 11 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. કોર્ટે આ ઘટનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવી હતી. આવી વ્યક્તિ સમાજ માટે અભિશાપ રૂપ ગણીને છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ શકુંતલાબેન સોલંકીએ આરોપી યુસુફ ઈસ્માઈલ ઉર્ફે યુસુફ મહમ્મદ આઝાદને ફાંસીની સજા ફટકારી હતી. આ ઉપરાંત કલમ 363, 366 હેઠળ આરોપીને આજીવન કેદની સજા અને 1 હજારનો દંડ ફટકાર્યો હતો.પીડિતાના પરિવારજનોને 10 લાખની સહાય પોલીસની સજ્જડ તપાસ અને પુરાવાને આધારે છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ શકુંતલાબેન સોલંકીએ ફાંસીની સજા ફટાકરવાની સાથે-સાથે મૃત બાળકીના પરિવારજનોને 10 લાખ રૂપિયાના વળતરની પણ જાહેરાત કરી હતી. 49 સાક્ષીની જુબાની-70 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા પોલીસે એફએસએલનો રિપોર્ટ અને ડીએનએ સહિતના સજ્જડ પુરાવા એકત્ર કર્યા હતા. સરકારી પક્ષ તરફથી 49 જેટલા સાક્ષીની જુબાની તેમજ 70થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ સિવાય બાળકીને લઈ જતી વખતે નજરે જોનારા સાક્ષીઓ સહિતના પુરાવાઓ પણ કોર્ટમાં અસરકારક પુરવાર થયા હતા તેમ જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાએ જણાવ્યું હતું.