Chhota Udepur
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નગરપાલિકાની ચૂંટણીને લઇને કાર્યકરો અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
(પ્રતિનિધિ કાજર બારીયા)
છોટાઉદેપુર નગરપાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી યોજનાર છે. ત્યારે રાજકીય પાર્ટીઓ કમર કસી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણી જંગમાં ઉતરે તે માટે બેઠકો તથા મુલાકાતોનો દોર શરૂ થઈ ગયો છે. જેને લઇને આજ રોજ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી. પાર્ટીના કાર્યકરો સાથે મિટિંગ કરી આગામી રણનીતિ નક્કી કરી હતી.
પાર્ટી મિટિંગ બાદ ચૈતર વસાવાએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ મહેકમ પ્રમાણે પૂરતો સ્ટાફ ન હોવાની, ટેકનીશિયનો પુરતા નથી, સ્ટાફ નર્સો પણ ટ્રેનિંગમાં હોવાથી જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળ્યું હોવાનું જણાવ્યું હતું. તેઓએ સિવિલ હોસ્પિટલના અધિકારી સાથે પણ વાત કરતાં કેટલીક જગ્યાઓ ખાલી હોવાથી આદિવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે, પ્રસુતિ વિભાગમાં ગાયનેક ડોક્ટરનો અભાવ, એક્ષરે મશીન બંધ હાલતમાં, સિકલસેલ એનિમિયા ચકાસણી માટેનું મશીન પણ બંધ હાલતમાં જોવા મળ્યું હતું. આંખના ડોક્ટરનો અભાવ ઉપરાંત ઘણી ખાલી જગ્યાઓ જોવા મળી હતી. જેને લઇને તેઓએ આટલી બધી ગ્રાન્ટ આવતી હોવા છતાં જગ્યાઓ ખાલી હોવાના મુદ્દે દુઃખ વ્યક્ત કરતું હતું.
કરાર આધારિત કર્મચારીઓ મુદ્દે કહ્યું હતું કે, એજન્સી કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે. પણ સમયસર ભરતી નથી કરતાં, સમયે પગાર પણ ન મળતો હોવાની વાત જણાવી હતી અને તેઓની શોષણ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ મુદ્દે તેઓએ સરકારમાં રજૂઆત કરવાની પણ વાત કરી હતી.