Chhota Udepur
વહીવટદારની કચેરીઓમાં છેલ્લા ૭ વર્ષની કામગીરીની વિજીલન્સ તપાસ કરવાની માંગ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ગુજરાતની તમામ પ્રાયોજના વહીવટદારની કચેરીઓમાં છેલ્લા ૭ વર્ષની કામગીરીની વિજીલન્સ તપાસ કરવાની માંગ સાથે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ની આગેવાનીમાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટર સ્તુતિ ચારણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં જણાવેલ કે અનુસુચિત જન જાતિ-આદિવાસી લોકોના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ થાય તે હેતુ થી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએથી અગ્ર સચિવ તથા નિયામક આદિજાતી વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સબંધિત જિલ્લાઓમાં વિવિધ યોજનાઓ સદરો હેઠળ જિલ્લાના પ્રાયોજના વહીવટદાર ની કચેરીઓને અમલીકરણ બનાવીને દર વર્ષે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. રાજ્ય કક્ષાએ અગ્ર સચિવ , આદિજાતિ વિકાસ વિભાગના અધ્યક્ષ સ્થાને નિયામક આદિજાતિ વિકાસ દ્વારા બનેલ સમિતિ દ્વારા વિવિધ યોજનાઓની સમયાંતરે સમિક્ષા પણ કરવામાં આવે છે. છતાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ માંથી ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.
હાલમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બોગસ સરકારી કચેરી ઉભી કરી ૪,૧૫ કરોડ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે આ ગ્રાન્ટના સદર, અંદાજપત્રો, નિવિદા જેવી અનેક જોગવાઈઓ નિયત પદ્ધતિ થી નાણા ચૂકવતા હોય છે. છતાં તમામ નિયમો અને શરતો નેવે મૂકીને અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આ તો ટ્રેલર છે.
જો ગુજરાતની તમામ પ્રાયોજના વહીવટદારની કચેરીઓમાં છેલ્લા છ વર્ષની કામગીરીની વિજીલન્સ થી તપાસ કરાવવામાં આવે, તો આવુ જ ૧૨૦૦-૧૨૫૦ કરોડનું કૌભાંડ બહાર આવે તેમ છે. અંબાજી થી ઉમરગામ સુધીના પ્રાયોજના વહીવટદારની કચેરીઓમાં, છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના,ગુજરાત પેટર્ન, બોર્ડર વિલેજ, ૧૦ % રાજ્ય કક્ષા ફંડ, એફ. આર.એ આદિમજૂથ તથા ડી સાગ દ્વારા ચાલતી તમામ યોજનાઓમાં ખુબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. જેમાં અધિકારીઓ અને એજન્સીઓને મોટા નેતાઓનું પીઠબળ મળેલ છે.
આ બાબતે અગાઉ પણ ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ પુરાવા સાથે રજૂઆત કરી હતી, પરંતુ તેનો કોઈ નિરાકરણ આવેલ નથી. જેથી આવા લોકોને પ્રોત્સાહન મળે છે.
આ ઉપરાંત છેલ્લા ૭ વર્ષમાં દરેક પ્રાયોજના વહીવટદારની કચેરીઓના અધિકારીઓ,નેતાઓ તથા તેમના નામે આવનારી એજન્સીઓના માણસો દ્રારા આદિવાસી બજેટ માંથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવેલ છે. જેમની એજન્સીઓની કામગીરીની વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણી કામગીરી વગરના નાણાકીય ચુકવણા ખોટા બીલો, ખોટા એસ્ટીમેન્ટો, જી .એસ.ટી ની ચોરી, જેવા ૬૦૦-૭૦૦ કરોડનું કૌભાંડ બહાર આવે તેમ છે.