Surat
ટીપીના રસ્તાની અસરમાં આવતા પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મહાઉસનું ડિમોલીશન
(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરત પાલિકાએ મંગળવારે ચોર્યાસી વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનું ટીપી સ્કીમમાં સૂચિત રોડની અરસમાં આવતું બાંધકામ દૂર કર્યું હતું. ડિમોલીશન કરીને ડુમસની ટીપી સ્કીમ નં-78માં રસ્તાની અસરમાં આવતી આ ફાર્મહાઉસની જગ્યાનો કબ્જો લેવાયો હતો.સુરત મહાનગરપાલિકાના અઠવાઝોનના સ્ટાફે મંગળવારે સવારે ડુમસમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નં- 78 માં સૂચવેલા રસ્તાની જમીનનો કબજો લેવાની કવાયત હાથ ધરી હતી.તેમાં ચોર્યાસી વિધાનસભા બેઠકના પૂર્વ ભાજપી ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મહાઉસના નોંધપાત્ર ભાગનું પણ ડિમોલીશન કર્યું હતું. પાલિકાના વર્તુળો કહે છે કે, ઝંખના પટેલ અગાઉ ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતાં, એટલે રસ્તાની જમીનનો કબજો લેવાની બહુ મથામણ કરાઈ નહતી. જોકે, હાલમાં બદલાયેલા રાજકીય સંજોગોને કારણે ટીપીના રસ્તાની જમીનનો કબજો લેવાની તક મળી ગઈ હતી.
પાલિકાના અઠવા ઝોનના અધિકારીઓ તેમના સ્ટાફ અને જેસીબી સહિતની મશીનરીઓ સાથે ડુમસથી વિક્ટોરિયા ફાર્મ રોડ પર આવેલા ઝંખના પટેલના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા અને ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરી હતી. આખા રસોડાના ભાગ સહિત ફાર્મ હાઉસનો અંદાજે 50% ભાગ જે સૂચિત ટીપી રોડની અસરમાં આવતો હતો તેને દૂર કરીને રસ્તાની જમીનનો કબજો મેળવ્યો હતો.