Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લામાં બે માસ સુધી પરિભ્રમણ કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે આપણા જિલ્લામાં આગામી તા.૧૫થી લગલગાટ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગ્રામ પંચાયતમાં ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને બે આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથ તા. ૧૫ નવે.થી આપણા ગામમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ ફરશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે ગાંધીનગરથી વિકાસ કમિશનર દ્વારા એક વીસી યોજવામાં આવી હતી. જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન ૧૦૦% લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.
આ રાજ્ય કક્ષાની વિડીઓ કોન્ફરન્સમાં છોટાઉદેપુર જિલ્લામાંથી જીલ્લા વિકાસ અધિકારી, ડીઆરડીએના ડાયરેક્ટર, હેલ્થ ઓફિસર, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફીસર, સમાજ સુરક્ષા આધિકારી, શિક્ષણાધિકારી વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વીસીમાં સંકલ્પ યાત્રાના આયોજન માટે તમામ અધિકારીઓએ ચર્ચા કરી હતી. આગામી તા. ૧૫ નવેમ્બરથી જ આ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અધિકારીઓને તા.૧૪ નવેમ્બર ભાઈબીજના દિનથી જ જાહેર રજા હોવા છતાં કચેરી સંભાળી લેવા સુચન કરવામાં આવ્યું હતું. આદિજાતિ વસ્તીનું પ્રભુત્વ ધરાવતા ૯ જીલ્લાઓમાં ૧૫ તારીખથી આ રથ પરિભ્રમણ કરશે, તેની સાથે સાથે ઝારખંડથી વડાપ્રધાન આ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ગુજરાતમાં અન્ય જીલ્લાઓમાં ૨૨ નવેમ્બરથી અલગ અલગ રથ યોજનાઓના પ્રચાર પ્રસાર કરશે. જિલ્લાના ૨૮૨ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે અને રોજના બે ગામોમાં મુકામ કરશે. આ માટે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડેલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. પરિભ્રમણના રૂટ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ગામડાઓમાં ગ્રામ સભા, આરોગ્ય કેમ્પ, મોબીલાઈઝેશન, જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની યોજનાને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઇ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ના જાય એ પ્રયત્નો કરવા તેમણે સૂચના આપી હતી. આ સંકલ્પ યાત્રાનું મોનીટરીંગ કરવા માટે કેન્દ્ર સરકારના ડે.સેક્રેટેરી લેવલના બે અધિકારીઓ આપણા જીલ્લાના યજમાન બનવાના છે. આ અભિયાન ૧૫ નવે.થી લઈ ૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ સુધી ચાલવાની છે.
ગામેગામ આ યાત્રાનું સ્વાગત, મેસેજ પ્લેયિંગ, લાભાર્થીઓની સફળવાત સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર અભિયાનમાં કેન્દ્ર સરકારના એડીશનલ સેક્રેટરી વર્ષા જોશી પ્રભારી તરીકે ગુજરાત ભરનું મોનીટરીંગ કરવાના છે.