Panchmahal
આઠમા નોરતે પાવાગઢ મંદિરમાં ભક્તોનું મહેરામણ
પ્રતિનિધિ, કાજર બારીયા
મા દુર્ગાની ઉપાસના કરવાનો પવિત્ર અવસર એટલે નવરાત્રી. આ દિવસોમાં માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં પણ ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રીએ ઉર્જાનું પ્રતિક છે, સકારાત્મક ઉર્જાનો સંચાર છે. આજે નોરતાની આઠમ હોવાથી માઇ મંદિરોમાં દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આઠમ નિમિત્તે માઇ મંદિરોમાં નવચંડી સહિત યજ્ઞ અને ભજન-ડાયરાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
તો આજે પાવાગઢ સ્થિત મહાકાળી માતાના મંદિરે દર્શને પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. મોડી રાત્રીથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે ૧ લાખ જેટલા ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા છે. નિજ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાંબી કતાર લાગી છે. સ્થાનિક પોલીસ વહેલી સવારથી યાત્રાળુઓના ધસારા વચ્ચે સૌ યાત્રિકો શાંતિપૂર્વક માતાજીના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થામાં લાગી ગઈ હતી. આજે પાવાગઢ મંદિરમાં આઠમનો હવન કરવામાં આવશે.
હિન્દુ પંચાગ અનુસાર, આ વર્ષે ચૈત્ર નવરાત્રીની દુર્ગા અષ્ટમી ૨૯ માર્ચ એટલે કે આજે છે. આ દિવસે મા દુર્ગાના આઠમાં અવતાર માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે હવન-પૂજન અને કન્યા પૂજન કરે છે. આ વખતે દુર્ગા અષ્ટમીના દિવસે રવિ યોગ અને શોભન યોગ બન્યો છે.
આજે ચૈત્ર નવરાત્રીની દુર્ગા અષ્ટમી